ગુજરાતના દરિયાકાંઠા પર વધતું ક્લાઈમેટ જોખમ

ગુજરાતના દરિયાકાંઠા પર વધતું ક્લાઈમેટ જોખમ

ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની અસર હવે ભારતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ગંભીર પડકાર બની રહી છે. તાજેતરના વૈજ્ઞાનિક મૂલ્યાંકનોમાં દરિયાની સપાટીમાં સતત વધારો થતો હોવાનું સામે આવ્યું છે. ગુજરાત પાસે 1,600 કિલોમીટરથી વધુ લાંબો દરિયાકિનારો હોવાથી રાજ્યના અનેક કાંઠાળ વિસ્તારો આ બદલાવથી ખાસ અસરગ્રસ્ત બની શકે છે.

ભારતીય દરિયાકાંઠા અંગેના આકલનો મુજબ ભવિષ્યમાં સમુદ્રનું પાણી ધીમે ધીમે વધુ અંદર સુધી પહોંચવાની શક્યતા છે. ગુજરાતના કચ્છ, જામનગર, ભાવનગર, ભરૂચ અને વલસાડ સહિતના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે આ સ્થિતિ ચિંતાજનક બની શકે છે.

ભાવનગર માટે 2100 સુધીમાં 0.87 મીટર સુધીનો વધારો

અહેવાલ આધારિત પ્રોજેક્શન પ્રમાણે જો કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઊંચું રહે તો વર્ષ 2100 સુધીમાં ભાવનગર વિસ્તારમાં દરિયાની સપાટીમાં આશરે 0.87 મીટર એટલે કે લગભગ 3 ફૂટ સુધીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ખાસ કરીને ખંભાતનો અખાત અને તેની આસપાસનો નીચાણવાળો વિસ્તાર વધતી દરિયાઈ સપાટી, ભરતી અને તોફાની મોજાં સામે વધુ સંવેદનશીલ બની શકે છે.

2050 સુધીનો સમયગાળો પણ મહત્વનો

વર્ષ 2100ના લાંબા ગાળાના અંદાજ સાથે વર્ષ 2050નું મધ્યમ ગાળાનું ચિત્ર પણ ચિંતાજનક છે. અંદાજ મુજબ આગામી દાયકાઓમાં દરિયાની સપાટીમાં આશરે 15થી 25 સેન્ટીમીટર સુધીનો વધારો જોવા મળી શકે છે.

આ વધારો માત્ર દરિયાકાંઠા સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પૂર, પાણી ભરાવાની સમસ્યા અને તોફાની મોજાંથી થતા નુકસાનનું જોખમ વધારી શકે છે.

ભૂગર્ભજળમાં ખારાશનું જોખમ

દરિયાની સપાટી વધવાથી કાંઠાના વિસ્તારોમાં ખારું દરિયાઈ પાણી જમીનના મીઠા પાણીના સ્ત્રોતોમાં પ્રવેશવાની સમસ્યા ગંભીર બની શકે છે. ભૂગર્ભજળમાં ખારાશ વધે તો પીવાના પાણી ઉપરાંત ખેતી માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે.

ખેતીની જમીનમાં ખારાશ વધવાથી જમીનની ગુણવત્તા અને કૃષિ ઉત્પાદન પર પણ લાંબા ગાળાની અસર થવાની શક્યતા છે.

કચ્છ સહિતના નીચાણવાળા વિસ્તારો સામે પડકાર

ગુજરાતના દરિયાકાંઠે અનેક એવા વિસ્તારો છે જ્યાં જમીનની ઊંચાઈ ઓછી છે અને ભરતી-ઓટનો વિશાળ વિસ્તાર જોવા મળે છે. કચ્છના કાંઠાળ વિસ્તારો સહિત આવા પ્રદેશોમાં દરિયાઈ સપાટી વધે તો ભારે વરસાદ, ઊંચી ભરતી અથવા ચક્રવાત દરમિયાન પાણી ભરાવાની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

બંદરો અને દરિયાઈ વેપાર સાથે સંકળાયેલા માળખાં માટે પણ વધતી દરિયાઈ સપાટી લાંબા ગાળે આયોજનનો મહત્વનો મુદ્દો બની શકે છે.

હવે સાવચેતી અને આયોજનની જરૂર

ક્લાઈમેટ ચેન્જની અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત માટે દરિયાકાંઠાના વિસ્તારોનું લાંબા ગાળાનું આયોજન વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. દરિયાઈ કાંઠાનું સંરક્ષણ, ખારાશ નિયંત્રણ, પીવાના પાણીના સ્ત્રોતોનું રક્ષણ, પૂર વ્યવસ્થાપન અને ચક્રવાત સામેની તૈયારી જેવા મુદ્દાઓ પર સમયસર પગલાં લેવાનું મહત્વ વધી રહ્યું છે.

દરિયાની સપાટીમાં થતો વધારો માત્ર પર્યાવરણ.નો મુદ્દો નથી. તેની સાથે લોકોનું જીવન, ખેતી, પીવાનું પાણી, બંદરો, ઉદ્યોગો અને સમગ્ર દરિયાકાંઠાની અર્થવ્યવસ્થા જોડાયેલી છે. તેથી ગુજરાત માટે આ સ્થિતિને ભવિષ્યના સંકટ તરીકે નહીં પરંતુ આજથી જ આયોજન કરવાની ચેતવણી તરીકે જોવી જરૂરી બની રહી છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *