
અંજાર, ગાંધીધામ અને કંડલામાં ત્રણ અલગ બનાવોમાં ત્રણ યુવાનોના મોત

અંજારની મિત્રી બોર્ડિંગના ક્લાસ રૂમમાંથી પાર્થ જશવંત ચાવડા (ઉ.વ. 32)ની લાશ ઝેરી પીણું પીધેલી હાલતમાં મળી આવી હતી. બીજી બાજુ ગાંધીધામના નવી સુંદરપુરીમાં કરણકુમાર ભાનુકાંત સોલંકી (ઉ.વ. 26)એ ગળે ફાંસો ખાઈ જીવ દીધો હતો તેમજ કંડલામાં પોર્ટ ગેટ નં. 16 પાસે ઉપરથી નીચે પટકાતાં અજાણ્યા યુવાનનું મોત થયું હતું. અંજારમાં જૂની કોર્ટ પાછળ મિત્રી બોર્ડિંગમાં ગત તા. 8/9નાં બપોરના અરસામાં આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. મિત્રી અગ્રણી ગણાતા પાર્થ નામનો યુવાન અગમ્ય કારણોસર ઝેરી પીણું પીધેલી હાલતમાં ક્લાસ રૂમમાંથી મળી આવ્યો હતો. આ યુવાનને મૃત જાહેર કરાયો હતો. તેણે કેવા કારણોસર આ પગલું ભર્યું હશે તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. વધુ એક બનાવ ગાંધીધામના નવી સુંદરપુરી તળાવડી વિસ્તારમાં બન્યો હતો.
અહીં રહેનાર કરણકુમાર નામનો યુવાન પોતાના ઘરે હતો દરમ્યાન ગઈકાલે તેણે પંખામાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવ દીધો હતો. બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. વધુ એક બનાવ કંડલામાં પોર્ટ ગેટ નંબર – 16 પાસે બન્યો હતો.
શ્રમિક એવો યુવાન સીડી ઉપર સૂતો હતો દરમ્યાન નીચે પટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઘવાયેલા આ યુવાનને સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.