
પૂર્વ કચ્છમાં પોલીસ-વીજતંત્રનો કડક પ્રહાર: 55 શખ્સોના વીજ જોડાણ કપાયા, રૂ.19.50 લાખનો દંડ
ગાંધીધામ: પૂર્વ કચ્છમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી વચ્ચે હવે બિનઅધિકૃત વીજ જોડાણો પર પણ તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ અને વીજતંત્રની સંયુક્ત ઝુંબેશમાં આદિપુર, માથક, અંતરજાળ, કિડાણા અને અંજાર વિસ્તારમાં કુલ 55 લોકોના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કુલ રૂ.19.50 લાખનો વીજ દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છના વિવિધ પોલીસ મથક વિસ્તારમાં અગાઉ મારામારી, લૂંટ, હત્યાની કોશિશ, ચોરી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા હોવાના કારણે પોલીસના રેકોર્ડમાં આવેલા શખ્સોના રહેણાક મકાનોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જ્યાં બિનઅધિકૃત વીજ જોડાણ મળી આવ્યા ત્યાં વીજતંત્રની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

આદિપુરમાં 7 જોડાણ કપાયા, રૂ.5 લાખનો દંડ
આદિપુર પોલીસે તપાસ હાથ ધરતાં કાના લખુ આહીર, હિતેશ જગદીશ દેવરિયા, ચંદ્રશેખર મોહન બાજીગર, દિનેશ બારોટ, રામજી કાનજી ખોખર, દીપક લાલજી દાફડા તથા ખેંગાર પુના દાફડાના વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી સાથે સંબંધિત લોકોને કુલ રૂ.5 લાખનો વીજ દંડ ફટકારવામાં આવ્યો હતો.
ગાંધીધામ બી-ડિવિઝનમાં 26 સામે કાર્યવાહી
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે પણ બિનઅધિકૃત વીજ જોડાણો સામે કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસ બાદ હુશેન ઈશાક ચાવડા, અનવર કાસમ વીરા, ઈમરાન નૂરમામદ ચાવડા, અકરમ કાસમ ચાવડા, ફરીદ ઉર્ફે પૈકો ઈબ્રાહીમ કટિયા, સાહિલ ઉર્ફે પી.એ. ફરીદ શેખ સહિત કુલ 26 શખ્સોના વીજ જોડાણ કપાવવામાં આવ્યા હતા.
આ તમામ સામેની કાર્યવાહી દરમિયાન કુલ રૂ.12 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

અંજારમાં પણ 22 જોડાણો પર તવાઈ
અંજાર પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કાસમશા ઈસ્માઈલશા શેખ, અનિલ રામજી કોળી, રમજાન સાલેમામદ કકલ, સોહિલ હુશેન સાંધાણી, જુમા હુશેન સાંધાણી સહિત કુલ 22 શખ્સોના વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા.
અંજાર વિસ્તારમાં થયેલી કાર્યવાહી અંતર્ગત કુલ રૂ.2.50 લાખનો વીજ દંડ ફટકારવામાં આવ્યો હતો.
ગુનાહિત રેકોર્ડ ધરાવતા લોકોના વીજ જોડાણની તપાસ
પૂર્વ કચ્છમાં પોલીસ અને વીજતંત્રની આ સંયુક્ત કાર્યવાહીનો મુખ્ય હેતુ બિનઅધિકૃત વીજ જોડાણો સામે કાર્યવાહી કરવાનો હોવાનું જાણવા મળે છે. પોલીસ રેકોર્ડમાં આવેલા શખ્સોના રહેણાક સ્થળોએ વીજ જોડાણોની તપાસ કરવામાં આવતા અનધિકૃત જોડાણો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ હતી.
એક તરફ પોલીસ ગુનાખોરી સામે કડકાઈ દાખવી રહી છે, તો બીજી તરફ વીજતંત્ર પણ નિયમવિરુદ્ધ વીજ વપરાશ સામે સક્રિય બન્યું છે. આવનારા દિવસોમાં આવી કાર્યવાહી વધુ વિસ્તારોમાં થાય તેવી શક્યતા છે.
55 જોડાણ કપાયા, લાખોનો દંડ
આ સમગ્ર કાર્યવાહીનો સરવાળો કરીએ તો પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં 55 બિનઅધિકૃત વીજ જોડાણો કાપવામાં આવ્યા અને કુલ રૂ.19.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. પોલીસ અને વીજતંત્રની સંયુક્ત કાર્યવાહીથી નિયમવિરુદ્ધ વીજ જોડાણો ધરાવતા લોકોમાં ફફડાટ ફેલાયો હોવાનું સામે આવ્યું છે.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો