માંડવીના નાની વિરાણીમાં પાંચ વાડીઓને નિશાન બનાવી રૂ. 1.25 લાખના બોરના વાયરની ચોરી

માંડવી ખેડૂતોમાં રોષ; ગઢશીશા પોલીસમાં ફરિયાદ નોંધાઈ, અજાણ્યા તસ્કરો સામે તપાસ શરૂ

માંડવી તાલુકાના નાની વિરાણી ગામની સીમમાં આવેલી પાંચ અલગ-અલગ વાડીઓને તસ્કરોએ નિશાન બનાવી બોરના વાયર ચોરી જતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ ઘટનામાં કુલ રૂ. 1.25 લાખથી વધુના વાયરની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ રાજપર ગામના ખેડૂત ખેંગારભાઈ કાનાભાઈ આહીરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની નાની વિરાણીની સીમમાં આવેલી વાડીએ 29 જૂનના રોજ સવારે બોર ચાલુ કરવા જતાં મોટર શરૂ થઈ નહોતી. તપાસ કરતાં બોરના અંદાજે રૂ. 16,250 કિંમતના વાયરની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારબાદ આસપાસની વાડીઓમાં તપાસ કરતાં પરબત કાના આહીર, જયંતી અરજણ આહીર, નવીન કાનજી પારસિયા અને નવીનચંદ્ર મનજી ભગતની વાડીઓમાંથી પણ આ જ રીતે બોરના વાયરની ચોરી થયાનું બહાર આવ્યું હતું.

પાંચેય વાડીઓમાંથી કુલ રૂ. 1,25,500ના બોરના વાયરની ચોરી થયાની ફરિયાદ ગઢશીશા પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને પગલે ખેડૂતોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી રહી છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *