ભારતમાં પહેલી ડેંગ્યૂ રસીને મંજૂરી, 4થી 60 વર્ષના લોકોને મળશે સુરક્ષા
ભારતમાં ડેંગ્યૂ સામે લડવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. દેશના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI)એ જાપાનની ફાર્માસ્યુટિકલ કંપની ટાકેડા દ્વારા વિકસિત ‘કયૂડેંગા’ (Qdenga) નામની ડેંગ્યૂ રસીને મંજૂરી આપી છે. આ ભારતની પ્રથમ મંજૂર થયેલી ડેંગ્યૂ રસી છે, જે 4થી 60 વર્ષના લોકો માટે ઉપયોગમાં લઈ શકાય છે.
આ રસીની સૌથી મોટી વિશેષતા એ છે કે રસી લેતા પહેલાં વ્યક્તિને અગાઉ ડેંગ્યૂ થયો હતો કે નહીં તેની તપાસ કરાવવાની જરૂર રહેતી નથી. એટલે કે, ડેંગ્યૂનો અગાઉનો ઇતિહાસ જાણ્યા વગર પણ આ રસી આપી શકાય છે.
બે ડોઝનો કોર્સ કયૂડેંગા રસીના કુલ બે ડોઝ લેવા પડશે અને બંને ડોઝ વચ્ચે ત્રણ મહિનાનું અંતર રાખવામાં આવશે.
ક્લિનિકલ ટ્રાયલમાં સારા પરિણામો આ રસીનું અત્યાર સુધીમાં 28 હજારથી વધુ લોકો પર ક્લિનિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. પરીક્ષણોના પરિણામ મુજબ બીજા ડોઝ પછીના 12 મહિના બાદ રસી ડેંગ્યૂથી બચાવવામાં 80.2 ટકા અસરકારક સાબિત થઈ છે. ઉપરાંત, ડેંગ્યૂના કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 90.4 ટકા સુધી ઘટાડવામાં પણ રસી સફળ રહી છે.
WHOની પણ ભલામણ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અગાઉથી જ કયૂડેંગા રસીની ભલામણ કરી ચૂકી છે. WHOના જણાવ્યા અનુસાર, આ રસીને જાહેર રસીકરણ કાર્યક્રમમાં પણ સામેલ કરી શકાય છે.
ભારતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ડેંગ્યૂના કેસોમાં વધારો જોવા મળે છે. આવી સ્થિતિમાં કયૂડેંગા રસીને મળેલી મંજૂરીને જાહેર આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો
