અમદાવાદના ડૉક્ટરોની મોટી સિદ્ધિ: હૃદય સુધી પહોંચેલું કિડની કેન્સર દૂર કરી બચાવ્યો દર્દીનો જીવ

અમદાવાદના ડૉક્ટરોની મોટી સિદ્ધિ: હૃદય સુધી પહોંચેલું કિડની કેન્સર દૂર કરી બચાવ્યો દર્દીનો જીવ

અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના નિષ્ણાત તબીબોની સંયુક્ત ટીમે એક અત્યંત દુર્લભ અને જટિલ સર્જરી સફળતાપૂર્વક કરીને 50 વર્ષીય મહિલાનો જીવ બચાવ્યો છે. કિડનીનું કેન્સર લોહીની મુખ્ય નસ મારફતે હૃદય સુધી ફેલાઈ જતાં સર્જાયેલી ગંભીર સ્થિતિમાં આશરે આઠ કલાક ચાલેલી સર્જરી બાદ કેન્સરની ગાંઠ સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી.

તબીબોના જણાવ્યા મુજબ, દર્દી હંસાબેનને ડાબી કિડનીમાં રેનલ સેલ કાર્સિનોમા (Renal Cell Carcinoma) હોવાનું નિદાન થયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેન્સરની ગાંઠ રેનલ વેઈનમાંથી પસાર થઈ શરીરની સૌથી મોટી રક્તવાહિની ઇન્ફિરિયર વેના કેવા (IVC) મારફતે હૃદયના જમણા કર્ણક (Right Atrium) સુધી પહોંચી ગઈ હતી. આવા કેસો કુલ કિડની કેન્સરના માત્ર એક ટકા જેટલા દર્દીઓમાં જોવા મળે છે અને તેને અત્યંત જોખમી માનવામાં આવે છે.

આ જટિલ સર્જરી દરમિયાન સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગ અને યુ.એન. મહેતા હોસ્પિટલના CTVS વિભાગના સર્જનોએ કાર્ડિયોપલ્મોનરી બાયપાસ અને હાઈપોથર્મિક સર્ક્યુલેટરી અરેસ્ટ જેવી અદ્યતન ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. આ પ્રક્રિયામાં દર્દીના શરીરનું તાપમાન ઘટાડીને થોડા સમય માટે રક્તભ્રમણ નિયંત્રિત કરવામાં આવે છે, જેથી હૃદયની અંદર સુધી પહોંચેલી ગાંઠને સુરક્ષિત રીતે દૂર કરી શકાય.

ખાનગી હોસ્પિટલોમાં આવી સર્જરી માટે સામાન્ય રીતે રૂ. 8 લાખથી 15 લાખ અથવા તેથી વધુ ખર્ચ થાય છે. જોકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારની આરોગ્ય યોજનાઓ હેઠળ દર્દીને આ સમગ્ર સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ડૉ. શ્રેણિક શાહ, ડૉ. ચિરાગ દોશી, ડૉ. જીગ્નેશ કોઠારી સહિત સમગ્ર મેડિકલ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકારી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલ જેવી અદ્યતન અને ગુણવત્તાસભર સારવાર મફતમાં મળી રહી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે આ સફળતા સિવિલ હોસ્પિટલ અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ વચ્ચેના ઉત્તમ સંકલનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે ઉમેર્યું કે સર્જરી બાદ દર્દીને બીજા જ દિવસે વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને હાલમાં તેમની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. આ સફળ સર્જરી રાજ્યની સરકારી આરોગ્ય સેવાઓની ઉચ્ચ ક્ષમતાનો વધુ એક મહત્વપૂર્ણ દાખલો બની છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *