
GujaratWeather : ગુજરાતમાં મેઘમહેર: 6 કલાકમાં 126 તાલુકા ભીંજાયા
GujaratWeather : સૌથી વધુ વાંસદામાં 2.95 ઈંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

GujaratWeather : ગુજરાતમાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના અંદાજે 126 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અનેક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને વરસાદી માહોલ યથાવત રહ્યો હતો.

GujaratWeather : અમદાવાદમાં પણ વરસાદી માહોલ
અમદાવાદમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. શહેરના એસજી હાઇવે, મકરબા, જુહાપુરા, સરખેજ, આનંદનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી.
GujaratWeather : વાંસદામાં સૌથી વધુ 2.95 ઈંચ વરસાદ
છ કલાકના વરસાદના આંકડા મુજબ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સૌથી વધુ 2.95 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સુરતના અંબિકા વિસ્તારમાં 2.60 ઈંચ અને નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં 2.24 ઈંચ વરસાદ નોંધાયો છે.
વધુ વરસાદ નોંધાયેલા વિસ્તારોમાં નર્મદાના ડેડિયાપાડામાં 2.05 ઈંચ, નવસારી શહેરમાં 2.05 ઈંચ, વલસાડના ધરમપુરમાં 1.85 ઈંચ, વાપીમાં 1.73 ઈંચ, ભરૂચના વાગરામાં 1.57 ઈંચ અને તાપીના ડોલવણમાં 1.42 ઈંચ વરસાદ નોંધાયો છે.

GujaratWeather : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર
ડાંગ, કપરાડા, નાસવાડી, નાનાપોંઢા, લિલીયા, ઉમરપાડા અને સાગબારા સહિતના તાલુકાઓમાં પણ આશરે 1થી 1.35 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
સારા વરસાદના પગલે અનેક વિસ્તારોમાં નદી-નાળા અને જળાશયોમાં પાણીની આવક શરૂ થઈ છે. વરસાદથી ખેડૂતોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદનો દોર ચાલુ રહેતા ગુજરાતમાં ચોમાસાનો માહોલ વધુ મજબૂત બન્યો છે.
