ભાડે અપાયેલા બેન્ક ખાતાંમાં રૂ.1.33 કરોડની ગેરકાયદે નાણાકીય હેરફેરનો પર્દાફાશ

ભાડે અપાયેલા બેન્ક ખાતાંમાં રૂ.1.33 કરોડની ગેરકાયદે નાણાકીય હેરફેરનો પર્દાફાશ

અંજાર: સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવાતા બેન્ક ખાતાં ભાડે આપવાના ગેરકાયદેસર નાણાકીય નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પૂર્વ સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ઓનલાઈન છેતરપિંડીના પ્રકરણમાં 8 આરોપીઓ સામે ગુનો નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં આરોપીઓ દ્વારા કુલ રૂ.1.33 કરોડથી વધુના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓને અંકુશમાં લેવા તથા બેન્ક ખાતાં ભાડે આપવાની પ્રવૃત્તિને નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ઓપરેશન મ્યુલ હન્ટ-2.0’ શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સાયબર ગુનેગારોના નાણાકીય નેટવર્ક સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, અંજારના હાર્દિક ઉદયભાઈ ભાટિયાના મિત્ર પાર્થ ચેતનભાઈ ઝાલાએ આશરે ત્રણ મહિના અગાઉ તેમના બેન્ક ખાતાં ભાડે માંગ્યા હતા. ખાતાંનો ઉપયોગ કરવાના બદલામાં પાર્થને રૂ.20 હજારનું વળતર મળ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારબાદ આ ખાતાં અન્ય વ્યક્તિને આપવામાં આવ્યા હતા.

દરમિયાન હાર્દિકભાઈને બેન્ક તરફથી નોટિસ મળતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. તપાસ દરમિયાન તેમના કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કના ખાતામાં રૂ.57,59,438 તથા ગુજરાત ગ્રામીણ બેન્ક, અંજાર શાખાના ખાતામાં રૂ.75,67,948ના શંકાસ્પદ ઓનલાઈન નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. બંને ખાતામાં કુલ રૂ.1,33,27,386ના ગેરકાયદેસર વ્યવહારો થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે પાર્થ ચેતનભાઈ ઝાલા, અશ્વિન ગોવિંદભાઈ કાનાણી, વશરામ ઉર્ફે કાળુ કાનાણી, કિશન જગદીશભાઈ વાંજા, વકાર હુશેન હોડા, કુલદીપ ઉર્ફે કિશન બારોટ, વત્સલ ઉર્ફે વિશાલ અનિલભાઈ ઠક્કર અને પ્રિયાંક ઉર્ફે બિટુ શેઠ રમેશભાઈ પલણ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે કુલદીપ, વત્સલ અને પ્રિયાંક પલણ સિવાયના આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

69 બેન્ક ખાતાંની તપાસ

પોલીસ તપાસમાં આરોપીઓ અન્ય બેન્ક ખાતાધારકો પાસેથી જુદા-જુદા કમિશનના બદલામાં બેન્ક ખાતાં મેળવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ ખાતાની કિટ તેમજ મોબાઇલ સિમ મેળવીને આ ખાતાંનો ઉપયોગ બિનઅધિકૃત નાણાકીય લેવડદેવડ માટે કરવામાં આવતો હતો.

પોલીસે આવા 69 જેટલા બેન્ક ખાતાંની તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન આ ખાતાઓ સાથે જોડાયેલી 127 ફાઈનાન્સિયલ સાયબર ફ્રોડની ફરિયાદો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.

અનેક પ્રકારની ઓનલાઈન છેતરપિંડીના નાણાં જમા કરાતા

તપાસમાં સામે આવ્યું છે કે ઓનલાઈન રોકાણ, કોલર આઈડી ફ્રોડ, વેપાર-રોકાણના નામે છેતરપિંડી, પાર્ટ-ટાઈમ નોકરીની લાલચ, YONO એપ્લિકેશન ફ્રોડ તેમજ વોટ્સએપ મારફતે APK ફાઈલ મોકલી મોબાઇલ હેક કરવા જેવી વિવિધ સાયબર છેતરપિંડીમાંથી મેળવાયેલા નાણાં આ ખાતાઓમાં જમા કરાવવામાં આવતા હતા.

આ ઉપરાંત ઓનલાઈન સાયબર છેતરપિંડી, ઓનલાઈન ગેમિંગ તથા અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારોની પણ તપાસમાં વિગતો સામે આવી છે.

સાયબર ક્રાઈમ પોલીસે સમગ્ર નાણાકીય નેટવર્કની વધુ તપાસ શરૂ કરી છે. બેન્ક ખાતાં કોના કહેવાથી મેળવવામાં આવતા હતા, નાણાં આગળ કયા ખાતાઓમાં ટ્રાન્સફર થતા હતા અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *