દેશમાં પ્રથમવાર ગુજરાતમાં સર્વિસ કમિશનરેટની સ્થાપના, ₹100 કરોડનો ગ્રોથ ફંડ

દેશમાં પ્રથમવાર ગુજરાતમાં સર્વિસ કમિશનરેટની સ્થાપના, ₹100 કરોડનો ગ્રોથ ફંડ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત સરકારે દેશમાં પ્રથમવાર સર્વિસ સેક્ટર માટે અલગ ‘સર્વિસ કમિશનરેટ’ની સ્થાપના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, જેમ ઉદ્યોગોના વિકાસ માટે ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ કાર્યરત છે, તેમ હવે સેવા ક્ષેત્રના વિકાસ માટે પણ વિશેષ કમિશનરેટ કાર્યરત કરવામાં આવશે.

ગુજરાત પરંપરાગત રીતે મેન્યુફેક્ચરિંગ અને ઔદ્યોગિક વિકાસ માટે ઓળખાય છે, પરંતુ હવે રાજ્ય સરકાર સેવા ક્ષેત્રમાં પણ નવી તકો ઊભી કરવા માટે પ્રયાસશીલ બની છે. આઈટી, પ્રવાસન અને લોજિસ્ટિક્સ જેવા ઝડપથી વિકસતા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે સર્વિસ કમિશનરેટ મહત્વની ભૂમિકા ભજવશે.

જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, GRIT દ્વારા સેવા ક્ષેત્રના સુદ્રઢ વિકાસ માટે સર્વિસ કમિશનરેટ રચવાની ભલામણ કરવામાં આવી હતી. તેના આધારે કમિશનરેટની સ્થાપના અને સર્વિસ કમિશનરની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ કમિશનરેટ રાજ્ય તેમજ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને વિવિધ સેવા ઉદ્યોગોને મજબૂત આધાર પૂરો પાડશે.

રાજ્ય સરકારે વર્ષ 2026-27 માટે રૂ.100 કરોડના ‘સર્વિસ સેક્ટર ગ્રોથ ફંડ’ની જોગવાઈ પણ કરી છે. આ ફંડનો મુખ્ય હેતુ સેવા ક્ષેત્રમાં કાર્યરત MSMEs અને સ્ટાર્ટઅપ્સને ગ્રોથ કેપિટલ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.

સરકારના મતે, આ પહેલથી રાજ્યમાં રોકાણમાં વધારો થશે, રોજગારીની નવી તકો ઊભી થશે અને ગુજરાત મેન્યુફેક્ચરિંગની સાથે સર્વિસ સેક્ટરમાં પણ દેશનું અગ્રણી હબ બનશે. ટુરિઝમ, આઈટી અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોના વિકાસ માટે આ કમિશનરેટ નીતિ ઘડતર, માર્ગદર્શન અને રોકાણ આકર્ષણનું કેન્દ્ર બનશે.

ગુજરાત સરકારે લીધેલો આ નિર્ણય રાજ્યના સર્વિસ સેક્ટરને નવી દિશા અને નવી ગતિ આપનાર ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.

વધુ સમાચારો માટે અહીં કલિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *