
(ગાંધીનગર)
રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે પછી નવી નિમણૂક પામનારા કોઇપણ અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક-કર્મચારીને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન રહેશે નહી.
શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શિક્ષકો અને કર્મચારીઓના હિતલક્ષી અનેકવિધ નિર્ણયો કર્યા છે. આ શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાને રાખીને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વધુ એક શિક્ષકોના હિત માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે વધુ વિગતો આપતા ચુડાસમાએ જણાવ્યું હતુ કે, બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી વર્ષ 2011થી કેન્દ્રીયકૃત રીતે મેરીટના આધારે કરવામાં આવે છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા, ટાટ પરીક્ષા, લાયકાત, પગાર ધોરણ તેમજ કામગીરી એક સમાન હોય, આ નિર્ણય કરાયો છે.
અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષકોને ફાજલનું રક્ષણ ન હોવાને કારણે નોકરી ગુમાવતા હોવાથી આવા શિક્ષકો સતત અસલામતીના ભયના ઓથાર નીચે કામગીરી કરતા હોવાથી તેની સીધી અસર શિક્ષણ કાર્યની ગુણવત્તા પર થતી હોય છે. આ નિર્ણયના પરિણામે શિક્ષણની ગુણવત્તા અને કામગીરી વધુ સુદ્રઢ બનશે.