
ગાંધીનગરમાં પરિણીત સગીરાનો આપઘાત: મહિનાઓ બાદ મળી સુસાઈડ નોટ, પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો
ગાંધીનગરના વાવોલ-ગોકુળપુરા વિસ્તારમાં ધોરણ-12માં અભ્યાસ કરતી 17 વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યાના મહિનાઓ બાદ મળી આવેલી સુસાઈડ નોટને આધારે પોલીસે તેના પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. સુસાઈડ નોટમાં યુવતીએ પતિના માનસિક ત્રાસ અંગે ગંભીર આક્ષેપો કર્યા હોવાનું સામે આવ્યું છે.
ઘરમાં એકલી હતી ત્યારે જીવન ટૂંકાવ્યું
પોલીસ ફરિયાદ મુજબ, મૂળ રાજસ્થાનના અને વાવોલ વિસ્તારમાં ભંગારનો વ્યવસાય કરતા પરિવારની 17 વર્ષીય દીકરી કવિતા ગુર્જરના લગ્ન માર્ચ 2023માં રાજસ્થાનના તિલોલી ગામના સોનુ ઉર્ફે નાનાલાલ ગુર્જર સાથે થયા હતા.
23 માર્ચ 2026ના રોજ કવિતા ઘરે એકલી હતી. દરમિયાન તેણે ઘરની છતની લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.ઘટના બાદ પરિવાર અંતિમવિધિ માટે રાજસ્થાન ગયો હતો.
ઘરની સફાઈ દરમિયાન તિજોરી નીચેથી ચિઠ્ઠી મળી
અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ પરિવાર મે મહિનામાં ગાંધીનગર પરત આવ્યો હતો. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ દરમિયાન તિજોરીની નીચે કવિતાએ લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી.
ચિઠ્ઠીમાં કવિતાએ પતિથી પરેશાન હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે પતિ દ્વારા વારંવાર ટોકવામાં આવતું હોવા તેમજ પરિવારજનો સાથે વાતચીત કરવા દેવામાં આવતી ન હોવાની ફરિયાદ કરી હતી. ચિઠ્ઠીના અંતમાં તેણે પતિ અંગે અત્યંત ગંભીર શબ્દોમાં પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.
ફોન અને સોશિયલ મીડિયા મારફતે ત્રાસ આપ્યાનો આક્ષેપ
પરિવારની ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સોનુ ઉર્ફે નાનાલાલ કવિતાને ફોન અને મેસેજ દ્વારા માનસિક રીતે પરેશાન કરતો હતો. ઉપરાંત, ઇન્સ્ટાગ્રામ પર મોતને લગતું સ્ટેટસ રાખીને તેના પર માનસિક દબાણ ઊભું કરતો હોવાનો પણ આક્ષેપ છે.
સેક્ટર-7 પોલીસે તપાસ શરૂ કરી
સુસાઈડ નોટ મળ્યા બાદ મૃતકના પિતાએ ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચિઠ્ઠી કબજે કરી FSLની મદદથી તેની તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસ અને ફરિયાદમાં થયેલા આક્ષેપોના આધારે પોલીસે સોનુ ઉર્ફે નાનાલાલ ગુર્જર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.