કચ્છની 217 શાળાઓનું 100% પરિણામ, 867 તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન

કચ્છની 217 શાળાઓનું 100% પરિણામ, 867 તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન

કચ્છ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓને બિરદાવવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, કચ્છ અને કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કેરાના લાલજીભાઈ રૂડા પિંડોરિયા ઓડિટોરિયમ ખાતે જિલ્લાકક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વર્ષ 2025-26 દરમિયાન ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં A-1 ગ્રેડ મેળવનારા 867 વિદ્યાર્થીઓ તથા 100 ટકા પરિણામ પ્રાપ્ત કરનારી 217 શાળાઓને સન્માનિત કરવામાં આવી હતી.

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બની છે. તેમણે કહ્યું કે 867 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવી અને 217 શાળાઓએ 100 ટકા પરિણામ પ્રાપ્ત કરીને જિલ્લામાં શિક્ષણની નવી ઓળખ ઉભી કરી છે. વિદ્યાર્થીઓને સમાજની અમૂલ્ય મૂડી ગણાવતા તેમણે જણાવ્યું કે આ સિદ્ધિ પાછળ શિક્ષકો, વાલીઓ, શિક્ષણ તંત્ર, જનપ્રતિનિધિઓ અને સમાજના આગેવાનોનો મહત્વનો ફાળો રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આજે વિદ્યાર્થિનીઓ મેરિટમાં વધુ સંખ્યામાં સ્થાન મેળવી રહી છે, જે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા અભિયાનોની સફળતા દર્શાવે છે. કચ્છની આ સિદ્ધિ માત્ર સરકારના પ્રયાસોનું નહીં પરંતુ સમગ્ર સમાજની જાગૃતિ અને સહભાગિતાનું પરિણામ હોવાનું તેમણે ઉમેર્યું હતું

.સાંસદ વિનોદ ચાવડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે કચ્છના અંતરિયાળ વિસ્તારો સુધી શિક્ષણની સુવિધાઓ પહોંચાડવામાં રાજ્ય સરકાર સફળ રહી છે. તેમણે કહ્યું કે સામૂહિક વિદ્યાર્થી સન્માનનો આ કાર્યક્રમ ઐતિહાસિક છે અને કચ્છી લેવા પટેલ સમાજ સહિત વિવિધ સંસ્થાઓના યોગદાનથી શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ પ્રાપ્ત થઈ છે. તેમણે ઉમેર્યું કે આજે કચ્છ જિલ્લામાં વિદ્યાર્થિનીઓ મેરિટમાં વધુ સ્થાન મેળવી રહી છે, જે મહિલા શિક્ષણમાં આવેલા સકારાત્મક પરિવર્તનનું પ્રતિબિંબ છે.

ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું કે બોર્ડ પરીક્ષાના પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે કચ્છમાં શિક્ષણનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. તેમણે વાલીઓને બાળકોની તમામ શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરીને તેમને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે સરકાર, શિક્ષણ તંત્ર અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કચ્છ જિલ્લો શિક્ષણ ક્ષેત્રે સતત આગળ વધી રહ્યો છે. રાજ્યકક્ષાએ ઉચ્ચ સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ અને પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ ગ્રાન્ટેડ શાળાઓમાં પાંચ વર્ષ પૂર્ણ કરીને કાયમી બનનારા શિક્ષકોને નિમણૂકના હુકમો પણ આપવામાં આવ્યા હતા.

સમારોહમાં કચ્છી લેવા પટેલ સમાજના અગ્રણીઓ, દાતાશ્રીઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં શિક્ષણપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ ઝાલાએ આભારવિધિ કરી હતી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *