મનમોહન સિંહ પંચમહાભૂતમાં વિલીન

મનમોહન સિંહ પંચમહાભૂતમાં વિલીન : દીકરીએ મુખાગ્નિ આપ્યો, નિગમબોધ ઘાટ પર રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના શનિવારે નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પાર્થિવદેહને તોપગાડીમાં દિલ્હીના નિગમબોધ ઘાટ પર લાવવામાં આવ્યો હતો. અહીં ત્રણેય સેનાએ તેમને સલામી આપી હતી. આ પછી શીખ પરંપરા અનુસાર, અંતિમસંસ્કારની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.

મનમોહનનાં પત્ની ગુરશરણ કૌર, મોટી પુત્રી ઉપિંદર સિંહ (65), બીજી પુત્રી દમન સિંહ (61) અને ત્રીજી પુત્રી અમૃત સિંહ (58) નિગમબોધ ઘાટ પર હાજર હતાં. આ પરિવાર વડાપ્રધાન મોદીને પણ મળ્યો હતો.

સોનિયા, પ્રિયંકા, રાહુલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ નિગમબોધ ઘાટ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ મુર્મુ, વડાપ્રધાન મોદી, રક્ષામંત્રી રાજનાથ પણ તેમને વિદાય આપવા પહોંચ્યા હતા. અંતિમસંસ્કાર વખતે પણ મનમોહન સિંહને તેમની મનપસંદ વાદળી પાઘડી પહેરાવવામાં આવી હતી.

ડૉ. મનમોહન સિંહના પાર્થિવદેહને સવારે 9:30 વાગ્યે તેમના નિવાસસ્થાનથી કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યો હતો. આ પછી અંતિમયાત્રા શરૂ થઈ.

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે 8.06 કલાકે દિલ્હી એઇમ્સમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના બુલેટિન અનુસાર, તેમણે રાત્રે 9:51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *