
India Post : પોસ્ટ વિભાગે અચાનક આ સેવા બંધ કરી: પુસ્તક-મેગેઝીન ઉદ્યોગ અને વાચકોને ફટકો
India Post : કોમ્યુનિકેશન મંત્રાલયની અંદર આવતા પોસ્ટલ વિભાગે બુક પોસ્ટની સેવા બંધ કરી છે. જો કે આ માટે પોસ્ટલ વિભાગે અગાઉથી કોઈ સૂચના આપી ન હતી. અગાઉ ગ્રાહકો બુકપોસ્ટ સેવા દ્વારા પાંચ કિલો સુધીના પુસ્તકો રૂ.80માં રજીસ્ટર્ડ બુક પોસ્ટ કરી શક્તા હતા અને લાખો લોકો માટે મોંઘી કુરીયર સેવા સામે બુકપોસ્ટની સેવા એક આશીર્વાદ સ્વરૂપ હતી. જ્યારે પોસ્ટ વિભાગે અચાનક આ સેવા બંધ કરતા પુસ્તક-મેગેઝીન ઉદ્યોગ અને વાચકોને ફટકો પડ્યો હતો.
ત્રણ ગણો ભાવ વધારો પબ્લિકેશન અને મેગેઝીન ધારકોને વેઠવાનો વારો
પોસ્ટ વિભાગની આ સેવા પાછળ લોકો ઓછા ખર્ચે પુસ્તકોની આપ-લે કરી શકે તેવો મુખ્ય ઉદ્દેશ હતો. પરંતુ હવે બુકપોસ્ટની સેવા બંધ થતા ભારતના લાખો ચોપાનીયાઓ, પુસ્તકો અને પખવાડિકો પર આની મોટી અસર વર્તાશે. નવાઈની વાત એ છે કે, આ સેવા જ્યારે બંધ કરી ત્યારે પોસ્ટલ વિભાગના અધિકારીઓને પણ આ સેવા બંધ થવાનો અણસાર સુદ્ધાં પણ આવ્યો નથી. આ સેવા બંધ થતા બુકપોસ્ટના ભાવ અને કુરીયરના ભાવ વચ્ચે બહુ મોટો ગાળો હોવાથી પબ્લિકેશન ઈન્ડસ્ટ્રીઝમાં બહુ મોટી નિરાશા છવાઈ ગઈ છે. અત્યાર સુધી એક કિલો રજીસ્ટર્ડ બુકપોસ્ટનો એક કિલોનો ભાવ રૂ.32 હતો. જે રજીસ્ટર્ડ પાર્સલમાં રૂ.78 થશે. એજ રીતે બે કિલોના પાર્સલના રૂ.45ના બદલે સીધા રૂ.116 થશે. અને પાંચ કિલોના પુસ્તકોને મોકલવાના હવે રૂ.80ના બદલે સીધા જ રૂ.229 થશે. આમ ત્રણ ગણો ભાવ વધારો પબ્લિકેશન અને મેગેઝીન ધારકોએ વેઠવાનો આવશે.
India Post : સેમ્પલ બુક પર પાંચ ટકા ઈમ્પોર્ટ ડ્યુટી
આ ઉપરાંત, સેમ્પલ બુક પર પાંચ ટકા ઈમ્પોર્ટ ડ્યુટીનો પણ એક સુધારો લગાવવામાં આવ્યો છે. આ ડ્યુટી નોન કમર્શિયલ બુક્સ પર લાદવામાં આવી છે. ભારતમાં અનેક જગ્યાએ અનેક સંસ્થાઓ દ્વારા નાના મેગેઝીન, સામાજિક ચોપાનીયા, સામાજિક ન્યૂઝ લેટર્સ, વ્યવસાયિક અને ઔદ્યોગિક ચોપાનીયા ચાલી રહ્યા છે. જેમને બુકપોસ્ટની સેવાને લીધે કેટલાક અંશે મેગેઝીન ચલાવવું પોસાતુ હતું. પરંતુ હવે તેને ચલાવવા વધુ ખર્ચ અને વધુ તકલીફ ઊભી થશે.
India Post : જો કે, પોસ્ટ વિભાગના અધિકારીઓએ આ વાતને આજના આધુનિક સમયમાં કાગળ અને પોસ્ટિંગને ઈન્ટરનેટના વિકલ્પ સામે બિનજરુરી દર્શાવતા આ નિર્ણયને યોગ્ય હોવાનું જણાવ્યું હતું. બુકપોસ્ટની સેવાને કારણે સરકારને કુરીયર સેવાની સામે કેટલાંક અંશે ભાર પણ પડતો હતો. તો બીજી તરફ ભારતમાં અનેક સામાજિક મેગેઝીન એવા છે, જેમના લવાજમ બુકપોસ્ટના ભાવને આધારે આજીવન સભ્યપદના આધારે ચાલતા હતા તેવા મેગેઝીનના સંકુલોને હવે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે.
India Post : ભારતમાં નિયમિત પોસ્ટલ સેવાની શરુઆત 1766માં રોબર્ડ ક્લાઈવ દ્વારા કરવામાં આવી હતી. આઝાદી પછી ભારત સરકારે લોકો વધુ વાંચન કરી શકે એ હેતુથી બુક પોસ્ટની સેવાઓના ભાવને નિયંત્રિત કર્યા હતા. જેનો લાભ 18મી ડિસેમ્બર 2024થી હવે નહીં મળે. જો કે, આ અંગે કેન્દ્ર સરકારના કોમ્યુનિકેશન વિભાગ દ્વારા કોઈ પ્રેસ કોન્ફરન્સ કે જાહેરાત કરવામાં આવી ન હતી.