વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમાર મહારાજનું વડોદરામાં નિધન, વૈષ્ણવો ઘેરા શોકમાં ગરકાવ, અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટ્યા

ભારત સરકાર દ્વારા બ્રહ્મર્ષિ’ એવોર્ડથી સન્માનિત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની તૃતીય પીઠના પીઠાધિશ્વર પૂ.વ્રજેશકુમારજી મહારાજ આજે દેવલોક પામ્યા છે. વૈષ્ણવાચાર્યના નિધનથી દેશ-વિદેશમાં રહેતા હજારો વૈષ્ણવો ઘેરાશોકમાં ગરકાવ થઇ ગયા છે. કેવડા બાગ બેઠક મંદિર ખાતેથી હજારો વૈષ્ણવોની અશ્રુભીની આંખો વચ્ચે અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા અને વ્રજેશકુમાર અમર રહોના નારા લાગ્યા હતા. વ્રજેશકુમારજી રાજસ્થાનના કાંકરોલી સ્થિત પુષ્ટિમાર્ગની સાત મુખ્ય પીઠમાંથી તૃતિય શ્રી દ્વારિકાધીશજી પીઠના પીઠાધિશ્વર હતા.

પાર્થિવ દેહ દર્શનાર્થે મુકાયો
આજે સોમવારે સવારે વડોદરાના કેવડાબાગ સ્થિત બેઠક મંદિરમાં વ્રજેશકુમારજીના અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ મૂકવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો આવી પહોંચ્યા હતા. દર્શન માટે લાંબી કતારો લાગી હતી. દરેક વૈષ્ણવજનોની આંખો આંસુઓથી ભરેલી જોવા મળી હતી. અનેક લોકોએ વ્રજેશકુમારજી સાથેના જુના સંસ્મરણો વાગાડ્યો હતા.

અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા
વ્રજેશકુમારજીના અંતિમ દર્શન બાદ બપોરે નીજ મંદિરેથી અંતિમયાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. અંતિમ યાત્રા કેવડા બાગ બેઠક મંદિરથી ખંડેરાવ માર્કેટ, ટાવર ચાર રસ્તા, નાગરવાડા થઇ બહુચરાજી સ્મશાન ખાતે પહોંચી હતી. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આખા શરીરમાં ઇન્ફેકશન હતું
વડોદરાના વૈષ્ણવચાર્ય વ્રજેશ કુમાર મહારાજે આજે સવારે 11.45એ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ડોક્ટરે જણાવ્યું હતું કે, તેઓ 13 ફેબ્રુઆરીએ હોસ્પિટલમા દાખલ થયા હતા. આ સમયે તેમને આખા શરીરમાં ઇન્ફેકશન હતું તેમજ કિડની પણ તકલીફ હતી. નિધનનું કારણ મલ્ટીઓર્ગન ફેલ્યોર જણાવવમાં આવી રહ્યું છે. વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારની નાદુરસ્ત તબિયતને કારણે વૈષ્ણવોને શ્રી યમુનાષ્ટક પાઠ કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

વ્રજેશકુમારજી મહારાજ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન ઉપરાંત સારા ગાયક અને વાદક હતા. મુંબઇની પ્રસિદ્ધ જે.જે. સ્કૂલ ઓફ આર્ટસના સ્નાતક હતા. તેઓ રાજસ્થાની મિનિએચર આર્ટ પેઇન્ટિંગના નિષ્ણાત ગણાતા હતા. પુષ્ટિમાર્ગ અને કૃષ્ણલીલા પર તેઓ પેઈન્ટિંગ્સ બનાવતા હતા. તેઓ માત્ર સનાતન હિન્દુ ધર્મનું જ નહીં, વિશ્વના અન્ય ધર્મગ્રંથોનું પણ ઊંડું જ્ઞાન ધરાવતા હતા. ગોસ્વામી તૃતીય પિઠાધીશ્વર કાંકરોલી નરેશ વ્રજેશ કુમાર ચાર વેદ, સંસ્કુત વ્યાકરણ સહિત પુષ્ટિમાર્ગમાં અત્યંત વિદ્વાન તરીકે જાણીતા હતા.

અસાધ્ય બીમારીથી પીડાતા હતા
આજે સવારે તેઓએ ‘નિત્યલીલા’માં પ્રવેશ કર્યો હતો. તેઓ 85 વર્ષના હતા અને અસાધ્ય બીમારીથી પીડાતા હતા. છેલ્લા એક સપ્તાહથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. વર્ષ 2009માં ભારત સરકારે તેમને બ્રહ્મર્ષિ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ગુજરાતમાં બ્રહ્મર્ષિ એવોર્ડ માત્ર બે મહાનુભાવોને જ મળ્યો છે, જેમાં કે.કા.શાસ્ત્રી અને વ્રજેશકુમારજીનો સમાવેશ થાય છે. રાજસ્થાનના કાંકરોલી સ્થિત દ્વારકાધીશ મંદિર, વડોદરાના બેઠક મંદિર અને સુખધામ હવેલી સહિત 132 મંદિરો-વૈષ્ણવ હવેલીઓના તેઓ ગાદીપતિ હતા. વ્રજેશકુમારજીના પુત્રોમાં વાગિશકુમાર અને દ્વારકેશલાલજીનો સમાવેશ થાય છે.

400 જેટલા સ્ત્રોતની રચના કરી
કાંકરોલી નરેશ વ્રજેશ કુમારે કાંકરોલી પુષ્ટિમાર્ગ માટે 400 જેટલા સ્ત્રોતની રચના કરી છે. તેઓ રાજસ્થાની મ્યુરલ પેઈન્ટીંગના નિષ્ણાત છે. રાજ્સ્થાન સ્થિત કાંકરોલી મંદિર ઉપરાંત મથુરા, ગોકુળ, જતીપુરા, અમદાવાદના રાયપુરનું, આંણદનું તેમજ વડોદરા ખાતે આવેલ બેઠક મંદિર અને સુખધામ હવેલી સહિતના 132 જેટલાં મંદિર તેમના તાબા હેઠળ છે. ગોસ્વામી તૃતીય પિઠાધીશ્વર કાંકરોલી નરેશ વ્રજેશ કુમાર ચાર વેદ, સંસ્કૃત વ્યાકરણ સહિત પુષ્ટિમાર્ગમાં અત્યંત વિદ્વાન તરીકે જાણીતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *