
વડોદરાને મળી 30 એસી ઈ-બસોની ભેટ; ‘ક્લીન સિટી-ગ્રીન સિટી’ તરફ વધુ એક મક્કમ પગલું
વડોદરા: ‘ક્લીન સિટી-ગ્રીન સિટી’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં વડોદરા શહેરે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનોહરલાલ ખટ્ટરની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા ખાતે ‘પીએમ ઈ-બસ સેવા’ અંતર્ગત 30 એસી ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું.
આ પ્રસંગે વડોદરાની જનતાને પ્રદૂષણમુક્ત, આરામદાયક અને આધુનિક જાહેર પરિવહનની ભેટ મળી છે. શહેરમાં તબક્કાવાર કુલ 250 ઈલેક્ટ્રિક બસો કાર્યરત કરવામાં આવશે, જેના દ્વારા પ્રદૂષણમાં ઘટાડો થશે અને પર્યાવરણ સંરક્ષણને વધુ વેગ મળશે.

ઈ-બસોના સુચારુ સંચાલન માટે ગોત્રી, સયાજીગંજ, નિઝામપુરા, સયાજીપુરા અને મકરપુરા ખાતે આધુનિક ચાર્જિંગ સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યા છે. મુસાફરોને વધુ સુવિધાજનક સેવા મળે તે માટે બસોમાં ડિજિટલ ટિકિટિંગ, જીપીએસ આધારિત લાઈવ ટ્રેકિંગ અને ‘પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ’ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મુસાફરો રોકડ ઉપરાંત યુપીઆઈ, ટિકિટિંગ કાર્ડ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ સરળતાથી ટિકિટ મેળવી શકશે. આ પહેલથી વડોદરામાં જાહેર પરિવહન વધુ સ્માર્ટ, સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી બનશે તેમજ ‘ગ્રીન મોબિલિટી’ના રાજ્ય સરકારના વિઝનને વધુ મજબૂત આધાર મળશે.