
વડોદરાના બાપોદ વિસ્તારમાં પરિણીતાએ પતિ સહિત સાસરિયાં પક્ષ વિરુદ્ધ દહેજની માગ અને શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે.
પરિણીતાએ આરોપ લગાવ્યા છે કે પતિના તેની ભાભી સાથે આડા સંબંધ છે. જ્યારે નણંદો અને સાસુ-સસરાએ દહેજની માગ કરી મેણાં-ટોણાં મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરાના બાપોદ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન 2011માં મુજમહુડામાં આવેલા વૈશાલી ટાવર્સમાં રહેતા કિરણભાઇ ભાલિયા સાથે થયા હતા. લગ્નના માત્ર એક મહિના બાદ જ પરિણીતા ગર્ભવતી થઈ હતી. જોકે આ દરમિયાન પરિણીતાની ત્રણ નણંદ તેની સાથે ઝઘડો અને મારઝૂડ કરતી હતી. આથી પરિણીતા પીયરે ગઈ હતી. ત્યાં તેણે પુત્રને જન્મ આપ્યો હતો. પરંતુ, સાસરિયાંએ કહ્યું કે આ દીકરો અમારો નથી કોઈ બીજાનો છે તેમ કહી જોવા આવ્યા નહોતા. બાદમાં વારંવાર વિનંતી કર્યા પછી પતિ પરિણીતાને લેવા આવ્યો હતો.
સાસુ-સસરા, નણંદ અને પતિ પર ગંભીર આરોપ
ત્યાર બાદ થોડા મહિના બાદ પરિણીતા ફરી એકવાર ગર્ભવતી થતા પીયરે ગઈ હતી. જયાં તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યારે પણ સાસરિયાં એક વર્ષ સુધી પરિણીતાને લેવા આવ્યા નહોતા. ત્યાર બાદ સાસરીમાં આવ્યા બાદ નણંદો અને સાસુ-સસરા પરિણીતા પાસે દહેજની માગ કરી મેણાં મારતા હતા. પતિ જ્યારે દારૂ પીને ઘરે આવે ત્યારે નણંદો તેની ઉશ્કેરણી કરી પતિ-પત્ની વચ્ચે ઝઘડો કરાવતી હતી. પતિ પણ પત્ની સાથે મારઝૂડ કરતો હતો. એટલું જ નહીં પતિના તેની ભાભી સાથે આડા સંબંધ હોવાથી છૂટાછેડાની માગ કરી ત્રાસ ગુજારતો હતો. દરમિયાન પતિએ પરિણીતા સાથે ઝઘડો કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. આથી પરિણીતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં સાસરિયાં પક્ષ સામે દહેજની માગ અને શારિરીક અને માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે