અમેરિકામાં ભારતીય કેરીનો ધમાકો, સિએટલના સ્ટોર્સમાં ખરીદી માટે લાગી લાઈનો

અમેરિકામાં ભારતીય કેરીનો ધમાકો, સિએટલના સ્ટોર્સમાં ખરીદી માટે લાગી લાઈનો

ભારતીય કેરીપ્રેમીઓ માટે અમેરિકાથી ગૌરવભર્યા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી રાહ જોવાતી ભારતીય કેરીઓ હવે અમેરિકાના પેસિફિક નોર્થવેસ્ટ વિસ્તારમાં ધમાકેદાર રીતે પહોંચી ગઈ છે. સ્થાનિક રિટેલર્સ, વિતરકો અને ગ્રાહકો સાથેના લગભગ એક વર્ષના પ્રયાસો બાદ હવે સિએટલના અગ્રણી સ્ટોર્સમાં ભારતની પ્રખ્યાત કેસર અને અલ્ફોન્સો (હાફુસ) કેરી ઉપલબ્ધ બનવા લાગી છે.

આ મહત્વપૂર્ણ જાહેરાત અમેરિકાની જાણીતી ટીવી ચેનલ “ગુડ ડે સિએટલ” કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સિએટલ સ્થિત ભારતના કોન્સ્યુલ જનરલ પ્રકાશ ગુપ્તાએ ખાસ હાજરી આપી અને ભારતીય કેરીના આગમન અંગે માહિતી આપી હતી.

પ્રકાશ ગુપ્તાએ કાર્યક્રમ દરમિયાન ‘મેંગો ડિપ્લોમેસી’નો રસપ્રદ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વર્ષ 2006માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશે ભારત મુલાકાત દરમિયાન અલ્ફોન્સો કેરીનો સ્વાદ માણ્યો હતો. કેરીનો સ્વાદ ચાખ્યા બાદ તેમણે કહ્યું હતું, “વોટ અ હેલ ઓફ અ ફ્રૂટ!” ત્યારથી જ અમેરિકામાં ભારતીય કેરીઓ પ્રત્યે ખાસ રસ વધ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું કે ભારતીય કેરી માત્ર એક ફળ નથી, પરંતુ ઉનાળાની લાગણી, પરિવારની યાદો અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી એક ભાવના છે. ભારતમાં પરિવારજનો સાથે બેસીને કેરી ખાવાની પરંપરા ખાસ માનવામાં આવે છે.

Costco સહિતના મોટા સ્ટોર્સમાં મળશે કેરી

હવે સિએટલ, કિર્કલેન્ડ અને રેડમંડ સ્થિત Costco સ્ટોર્સમાં કેસર અને હાફુસ કેરી ઉપલબ્ધ રહેશે. ગયા વર્ષે સિએટલ સ્થિત ભારતીય દૂતાવાસે “મેગા મેંગો પ્રમોશન” ઇવેન્ટ યોજી હતી, જેમાં અમેરિકન ગ્રાહકો અને વિતરકોને ભારતીય કેરીની વિવિધ જાતોનો સ્વાદ ચખાડવામાં આવ્યો હતો. ત્યારબાદ મોટી ગ્રોસરી ચેઇન અને ડિલિવરી પ્લેટફોર્મ્સ સાથે ભાગીદારી કરવામાં આવી.

અમેરિકન દર્શકોને શીખવાઈ ભારતીય કેરી ખાવાની રીત

લાઈવ ટીવી કાર્યક્રમ દરમિયાન પ્રકાશ ગુપ્તાએ અમેરિકન એન્કર અને દર્શકોને ભારતીય કેરી ખાવાની રીત પણ સમજાવી હતી. તેમણે જણાવ્યું કે કેટલીક સ્થાનિક કેરી ‘ચૂસીને’ ખાવાની મજા આવે છે, જ્યારે કેસર અને અલ્ફોન્સો જેવી પ્રીમિયમ કેરી ચમચી વડે સ્કૂપ કરીને ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગે છે.

આ સમાચાર સામે આવતા અમેરિકામાં વસતા લાખો ભારતીયોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વતનની કેરીનો સ્વાદ હવે વિદેશમાં પણ સહેલાઈથી માણી શકાશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *