Uniform Civil Code : આ ઐતિહાસિક કાયદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા લગભગ 12:30 વાગ્યે લાગુ કરવામાં આવશે
Uniform Civil Code : ઉત્તરાખંડથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દેવભૂમિ ઉત્તરાખંડ આજે ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક કાયદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાખંડ પ્રવાસ પહેલા લગભગ 12:30 વાગ્યે લાગુ કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમગ્ર ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવામાં આવશે. આ કાયદો રાજ્યની બહાર રહેતા ઉત્તરાખંડના લોકો પર પણ લાગુ થશે.
Uniform Civil Code : યુનિફોર્મ સિવિલ કોડ (UCC) પોર્ટલનું આજે રાજ્ય સચિવાલય ખાતે અનાવરણ કરવામાં આવશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી આ કાર્યક્રમનું નેતૃત્વ કરશે. એક દિવસ અગાઉ (26 જાન્યુઆરી), CM ધામીએ કહ્યું હતું કે, યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ધર્મ, લિંગ, જાતિ અથવા સમુદાયના આધારે ભેદભાવથી મુક્ત સુમેળભર્યા સમાજનો પાયો સ્થાપિત કરશે.
Uniform Civil Code : તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી : CM ધામી
મુખ્યમંત્રી ધામીએ વધુમાં કહ્યું, ‘અમે અમારી પ્રતિબદ્ધતાઓ પૂરી કરી રહ્યા છીએ. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું તેનું ઉદાહરણ છે. રાજ્ય સરકારે તેનું કામ પૂર્ણ કરી લીધું છે અને જાન્યુઆરી 2025 થી સમગ્ર રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.
Uniform Civil Code : સરકાર તેનું વચન પૂરું કરવા જઈ રહી છે
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે રાજ્યના લોકોને 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાવવાનું વચન આપ્યું હતું. સરકાર બનાવ્યા બાદ અમે આ કામ પ્રાથમિકતાના આધારે કર્યું. યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો અને તેના પર એક એક્ટ લાવવામાં આવ્યો. હવે અમે તે વચન સંપૂર્ણ અને ઔપચારિક રીતે પૂર્ણ કરવાના છીએ. આ એક સુમેળભર્યા ભારતના નિર્માણના વડા પ્રધાનના સંકલ્પને અનુરૂપ હશે, જ્યાં કોઈપણ ધર્મ, લિંગ, જાતિ અથવા સમુદાય સામે કોઈ ભેદભાવ નહીં હોય.
Uniform Civil Code : આ રાજ્યમાં પહેલેથી જ લાગુ છે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)
ભારતીય બંધારણમાં ગોવાને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો છે. તેમજ કાયદો બનાવીને સંસદે ગોવાને Portuguese Civil Code લાગુ કરવાનો અધિકાર આપ્યો હતો. તેથી ગોવા એકમાત્ર રાજ્ય છે જ્યાં UCC લાગુ છે. હવે ઉત્તરાખંડ પહેલું રાજ્ય બનશે જ્યાં સ્વતંત્રતા પછી સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે.
Uniform Civil Code : જાણો શુ છે યુનિફોર્મ સિવિલ કોડ ?
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો (દરેક ધર્મ, જાતિ, લિંગના લોકો) માટે સમાન કાયદો હોવો. જો કોઈપણ રાજ્યમાં સિવિલ કોડ લાગુ કરવામાં આવે છે, તો લગ્ન, છૂટાછેડા, બાળકને દત્તક લેવા અને મિલકતના વિભાજન તેમજ લિવ-ઈન સંબંધો જેવી બાબતોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે. લગ્નની સાથે સાથે લિવ-ઇન કપલ્સ માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
