TEACHER SHORTAGE PROTEST BY NSUI : મુન્દ્રામાં શિક્ષક ભરતીની માગ સાથે અનોખો વિરોધ કર્યો, NSUI દ્વારા હોમ-હવનનું આયોજન કરવામાં આવ્યું

TEACHER SHORTAGE PROTEST BY NSUI : કચ્છમાં શિક્ષકોની ઘટનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત વચ્ચે NSUI એ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે.
મુન્દ્રા સ્થિત તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં કચ્છ NSUI દ્વારા હોમ-હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હવન દ્વારા સરકારને સદબુદ્ધિ આપવા ભગવાન શંકરને પ્રાર્થના કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લા NSUI ના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, જિલ્લામાં શિક્ષકોની ભારે અછત છે. તેમણે કહ્યું કે અનેકવાર રજૂઆતો અને વિરોધ પ્રદર્શન છતાં સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
જાડેજાએ વધુમાં જણાવ્યું કે કચ્છના છ ધારાસભ્ય અને એક સાંસદ જો શિક્ષકની ભરતી ના કરી શકતા હોય તો તમામે રાજીનામું આપી દેવું જોઈએ.

આ કાર્યક્રમમાં મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરમભાઈ ગઢવી, તાલુકા પંચાયતના સદસ્ય આસારીયાભાઈ ગઢવી, સુરેન્દ્રસિંહ ઝાલા, અલ્તાફ, NSUI ના નિખિલ જુવડ, તુષાર મોથારીયા, વિવેકસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, શહેર કોંગ્રેસના ભરતભાઈ પાતારીયા, હરેશ મોથારીયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
જિલ્લાના વિવિધ વિસ્તારની સરકારી શાળાઓમાં બાળકો પણ અંધકારમય ભવિષ્યના પ્રતીક તરીકે આંખે પટ્ટી બાંધીને વિરોધ દર્શાવી રહ્યા છે. શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે.