
રસોડામાં વપરાતી ‘હીંગ’ની વધતી કિંમતોનુ તાલિબાન કનેક્શન
જાણો ભારતીયોના રસોડામાં વપરાતી ‘હીંગ’ની વધતી કિંમતોનુ તાલિબાન કનેક્શન
હીંગ વિના ભારતીય વ્યંજન અધૂરા છે. સદીઓથી ભારતના દરેક રસોડામાં હીંગનો ઉપયોગ થતો આવ્યો છે તેમ છતાં હીંગનુ ઉત્પાદન હજુ સુધી ભારતમાં શરૂ થયુ નથી. આનુ એક મુખ્ય કારણ છે. હીંગનો છોડ ખૂબ જ ઠંડા અને શુષ્ક મોસમમાં જ ઉગે છે.
હીંગ ઉત્પાદન માટે અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઈરાન અને કઝાકિસ્તાનનુ હવામાન સૌથી વધારે અનુકૂળ છે. એશિયાનુ સૌથી મોટુ મસાલા બજાર દિલ્હીના ખારી બાવલીના વેપારીઓનુ કહેવુ છે કે અફઘાનિસ્તાનથી આવનારી હીંગની આયાત ખૂબ જ ઘટી ગઈ છે. જોકે હીંગની આયાત ફરીથી શરૂ થઈ છે પરંતુ આનુ પ્રમાણ એટલુ નથી કે માગને પૂરી કરી શકાય.

હીંગ માટે અફઘાનિસ્તાન પર નિર્ભરતા
ભારત પોતાની કુલ જરૂરિયાતના 85 ટકા હીંગ અફઘાનિસ્તાથી જ આયાત કરે છે જ્યારે ખૂબ ઓછા પ્રમાણમાં હીંગ ઉઝબેકિસ્તાન, ઈરાન અને કઝાકિસ્તાનથી આયાત થાય છે. છેલ્લા બે વર્ષોમાં હીંગની કિંમત લગભગ 30 ટકા વધી ચૂકી છે. સૌથી વધારે કિંમત છેલ્લા એક વર્ષ દરમિયાન વધી છે. જ્યારથી તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો છે ત્યારથી હીંગની આયાત ઘટી ગઈ છે.
કાબુલમાં તાલિબાનના સત્તા સંભાળ્યાના એક વર્ષ બાદ, ભારતનો દક્ષિણ એશિયાઈ પાડોશી દેશો સાથેનો વેપાર ધીમે-ધીમે પાટા પર પાછો ફર્યો છે. જ્યારે ભારતથી અફઘાનિસ્તાનને થનારી નિકાસ ગયા વર્ષે ઓગસ્ટમાં ઘટીને 2.4 કરોડ ડોલર થઈ ગઈ, જે જૂનમાં 4.8 કરોડ ડોલર હતી. આયાતના આંકડા દર મહિને ઉપર-નીચે થતા રહે છે. જૂનમાં ભારતે અફઘાનિસ્તાનમાંથી 2.79 કરોડ ડોલરની આયાત કરી, જેમાં 67 ટકા હીંગની આયાત હતી.

ભારત હીંગનો નિકાસકાર પણ છે
ભારત હીંગની નિકાસ પણ કરે છે. અમેરિકા, યુએઈ અને યુકેમાં રહેતા ભારતીયો માટે ભારત હીંગની પ્રોસેસ કર્યા બાદ આની નિકાસ કરે છે. નાણાકીય વર્ષ 2021-22માં ભારતે 10.4 કરોડ ડોલરની હીંગની આયાત કરી અને 1.25 કરોડ ડોલરની હીંગની નિકાસ કરી છે. ભારતે અત્યાર સુધી તાલિબાન સરકારને માન્યતા આપી નથી પરંતુ ગયા વર્ષે ઓગસ્ટમાં કાબુલમાં પોતાનુ દૂતાવાસ બંધ કર્યા બાદ ભારતે આને જૂનમાં બીજીવાર ખોલી દીધુ છે.