ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત વિરૂદ્ધ રમાનારી ટી-20 સીરિઝ અને પોતાની યજમાનીમાં રમાનર ટી-20 વર્લ્ડકપ 2022 માટે ટીમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે 15 સભ્યની ટીમની જાહેરાત કરી છે, જેમાં એક નામ ચોકાવનારૂ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નિયમમાં તોડ કાઢીને સિંગાપુરમાં જન્મેલા ટીમ ડેવિડને ટીમમાં સામેલ કર્યો છે, જે એક ખતરનાક ઓલ રાઉન્ડર છે.

ટી-20 વર્લ્ડકપ અને ભારતના પ્રવાસ માટે પસંદ થયેલી આ ટીમમાં સ્ટીવ સ્મિથને પણ જગ્યા મળી છે જ્યારે કેપ્ટન એરોન ફિંચ જ રહેશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક મજબૂત કાંગારૂ ટીમની પસંદગી કરી છે જેમાં મોટાભાગના ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે જે ગત વર્ષે યૂએઇમાં ટી-20 વર્લ્ડકપ રમ્યા હતા અને ઓસ્ટ્રેલિયાની ટીમે ટી-20 વર્લ્ડકપ ટ્રોફી પ્રથમ વખત પોતાના નામે કરવામાં સફળતા મેળવી હતી.

જાણકારી માટે જણાવી દઇએ કે ટીમ ડેવિડને પણ આ ટીમમાં જગ્યા મળી છે જે માર્ચ 2020 સુધી સિંગાપુરની ટીમ માટે 11 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે. તે આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLમાં પણ જોવા મળ્યો હતો અને મુંબઇ ઇન્ડિયન્સ માટે 9 મેચ રમ્યો હતો. જોકે, કેટલીક મેચને છોડી દઇએ તો તેની હિંટિંગ કેટલીક મેચમાં જોવા મળી હતી અને તમામને પ્રભાવિત કર્યા હતા. ટીમ ડેવિડના પેરેન્ટ્સ ઓસ્ટ્રેલિયન છે પરંતુ તે જ્યારે બે વર્ષનો હતો ત્યારે પર્થથી સિંગાપુર જતો રહ્યો હતો. સીએએ જણાવ્યુ કે તે આઇસીસીના નિયમ હેઠળ તુરંત પ્રભાવથી ઓસ્ટ્રેલિયા માટે રમવા માટે તૈયાર છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાણકારી આપતા જણાવ્યુ કે યૂએઇમાં ટી-20 વર્લ્ડકપ જીતનારી ટીમમાં માત્ર એક જ બદલાવ થયો છે. મિશેલ સ્પેપ્સનની જગ્યાએ ટીમ ડેવિડ આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એમ પણ જણાવ્યુ કે ભારતના પ્રવાસે ડેવિડ વોર્નર નહી જાય, તેને આરામ આપવામાં આવ્યો છે. વોર્નરની જગ્યાએ કેમરૂન ગ્રીન ભારતનો પ્રવાસ કરશે.
ટી-20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
એરોન ફિંચ (કેપ્ટન), મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નર, માર્ક્સ સ્ટોઇનિસ, એશ્ટન અગર, પેટ કમિન્સ, ટીમ ડેવિડ, જોશ હેઝલવુડ, જોશ ઇંગલિસ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક અને એડમ ઝમ્પા