રોહિત શર્માના નેતૃત્વ ધરાવતી ભારતીય ક્રિકેટ ટીમે હૉંગકોંગને એશિયા કપ 2022માં ગ્રુપ એના બીજા મુકાબલામાં 40 રનથી હરાવ્યુ હતુ. ભારતની ટૂર્નામેન્ટમાં આ સતત બીજી જીત છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીની અડધી સદીની મદદથી હૉંગકોંગને 193 રનનો પડકાર આપ્યો હતો. જવાબમાં હૉંગકોંગે અંત સુધી લડાઇ લડી હતી પરંતુ તે નિર્ધારીત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 152 રન જ બનાવી શક્યુ હતુ. હૉંગકોંગ તરફથી બાબર હયાતે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. ભારત માટે અર્શદીપ સિંહ, ભૂવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા અને અવેશ ખાનને 1-1 વિકેટ મળી હતી. ભારત માટે ચિંતાનો વિષય સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ રહ્યો હતો જે બન્ને મેચમાં વિકેટ ઝડપી શક્યો નહતો.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ક્રિકેટ ટીમે પાવર પ્લેમાં 1 વિકેટ ગુમાવીને 44 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા 13 બોલમાં 21 રન બનાવીને કેચ આઉટ થયો હતો. કેએલ રાહુલે ધીમી ઇનિંગ રમી હતી અને 39 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ તે પછી કોઇ વિકેટ પડવા દીધી નહતી અને ભારતને એક મજબૂત સ્થિતિમાં પહોચાડ્યુ હતુ. આ બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે 42 બોલમાં 98 રનની ભાગીદારી નોંધાઇ હતી. સૂર્યકુમાર યાદવે માત્ર 26 બોલમાં 68 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેને 6 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. આ વચ્ચે વિરાટ કોહલીએ પણ અડધી સદી ફટકારી હતી. તે 44 બોલમાં 59 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ભારતે એશિયા કપની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યુ હતુ. અફઘાનિસ્તાન પહેલા જ ગ્રુપ બીમાં સુપર-4 માટે ક્વોલિફાય કરી ચુકી છે જ્યારે ભારતીય ટીમ હૉંગકોંગને હરાવીને ગ્રુપ એમાં ક્વોલિફાય કરનારી પ્રથમ ટીમ બની ગઇ છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, હૉંગકોંગ અને શ્રીલંકાની જીતનું ખાતુ પણ ખુલ્યુ નથી.