
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી એલસીબી ટીમે બાતમીના આધારે શહેરના આકાશ મોબાઇલ પાસે રોડ ઉપર જાહેરમાં રમાતા ક્રિકેટના સટ્ટામાં 2 શખસને દબોચી લીધા હતા. વેસ્ટ ઇન્ડિઝ-ઝિમ્બાબ્વેની ટેસ્ટ મેચ પર ક્રિકેટના સટ્ટામાં રોકડ, મોબાઇલ, સાહિત્ય સહિત રૂ. 14,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
…સુરેન્દ્રનગર સિટી બી-ડિવીઝન પોલીસ મથક વિસ્તારમાં એલસીબી ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. ત્યારે બાતમીના આધારે શહેરના આકાશ મોબાઇલ પાસે રોડ ઉપર જાહેરમાં રમાતાં ક્રિકેટના સટ્ટા પર રવિવારે દરોડો કર્યો હતો. જેમાં હાલમાં ચાલી રહેલી વેસ્ટ ઇન્ડિઝ-ઝિમ્બાબ્વેની ટેસ્ટ મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાનું બહાર આવ્યુ હતુ. આ બનાવમાં મૂળી તાલુકાના દાણાવાડા ગામના અશ્વિનભાઈ નટવરભાઈ કઠેચીયા અને વઢવાણ તાલુકાના કરણગઢ ગામના દશરથભાઈ ચમનભાઈ ભુસડીયાને દબોચી લીધા હતા.અને ક્રિકેટ મેચના કેલેન્ડરનો જુગાર રમી રમાડતા રોકડ રૂ. 13,500, 1 મોબાઇલ તેમજ ક્રિકેટ મેચને લગતુ સાહિત્ય સહિત કુલ રૂ. 14,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ રેડમાં એલસીબી PI વી.વી.ત્રિવેદીના સૂચના માર્ગદર્શનથી PSI આર.વી.જાડેજા સહિતની ટીમે અને કામગીરી કરી હતી. જ્યારે ઝડપાયેલા બંને આરોપીઓ સામે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.