
સુરતમાં ભારે વરસાદનો કહેર: 1 ઓગસ્ટે સ્કૂલ-કોલેજોમાં રજા, કારખાનાં-કાપડ માર્કેટ બંધ, આર્મી તૈનાત
દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનીઅતિભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેરમાં સતત ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે, જ્યારે VIP રોડ, પાંડેસરા, કતારગામ, ડભોલી, લિંબાયત સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. લિંબાયત વિસ્તારમાં રસ્તા પર ભૂવો પડતાં તંત્ર દ્વારા બેરીકેડિંગ કરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ 1 ઓગસ્ટ, 2026ના રોજ સુરત જિલ્લાના તમામ સ્કૂલો, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી છે. સાથે જ BRTS સેવા, અનેક કારખાનાં અને શહેરના કાપડ માર્કેટ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કારખાનાં અને ઉદ્યોગો બે દિવસ બંધ
સુરત કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ જાહેર કરેલા આદેશ મુજબ 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન જિલ્લાના તમામ કારખાનાં અને ઉદ્યોગો બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. આ અંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, શ્રમ વિભાગ, GPCB, GIDC અને વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
આર્મીની ટીમો પહોંચી
ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રને મદદરૂપ થવા માટે ઇન્ડિયન આર્મીની બે વિશેષ ટીમો સુરત પહોંચી છે. આ ટીમો રેસ્ક્યુ વાહનો, પાણીના ટેન્કરો અને જરૂરી સાધનો સાથે સજ્જ છે અને જરૂરિયાત મુજબ બચાવ તથા રાહત કામગીરી હાથ ધરશે.
તમામ અધિકારીઓની રજાઓ રદ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસની મુલાકાત લઈ કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી. વરસાદની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.
લોકોને તંત્રની અપીલ
હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વહીવટી તંત્રએ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
