
શ્રીલંકાનું સંકટ PM વિક્રમસિંઘેએ કહ્યું- દેશવાસીઓ સમક્ષ ખોટું નહીં બોલું, 2 મહિના સાથ આપે,અમારી પાસે 1 દિવસનું જ પેટ્રોલ
ગંભીર આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ નાઈટ કર્ફ્યૂ લગાડવાની જાહેરાત કરી છે. આ સોમવારે રાત્રે 8 વાગ્યાથી મંગળવારે સવારે 5 વાગ્યા સુધી, એટલે કે 9 કલાક લાગુ રહેશે. આ નિર્ણય સોમવારે સવારે લેવાયો. જે બાદ મોડી સાંજે વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ દેશને સંબોધન કર્યું અને હાલની સ્થિતિની તસવીર સામે રાખી. વિક્રમસિંઘેએ કહ્યું- અમારા દેશની પાસે માત્ર એક દિવસનું જ પેટ્રોલ વધ્યું છે. અમે સ્થિતિને સુધારવાના પ્રયાસ કરી રહ્યાં છીએ. એક વર્ષમાં 45 અબજ ડોલરનું નુકસાન સહન કરનાર શ્રીલંકન એરલાઈન્સને હવે પ્રાઈવેટ સેક્ટરને સોંપી દેવામાં આવશે.

શ્રીલંકામાં દરરોજ કંઈકને કંઈક નવું થઈ રહ્યું છે. ગત દિવસોમાં વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેને હટાવીને રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ રાનિલ વિક્રમસિંઘેને નવા વડાપ્રધાન બનાવ્યા છે. હવે નવા PM વિક્રમસિંઘે તે આંદોલનકારીઓના સમર્થનમાં ઉતરી આવ્યા છે, જેઓ શ્રીલંકાને આર્થિક સંકટમાં ધકેલવા માટે રાષ્ટ્રપતિ ગોતાબાય રાજપક્ષેને જવાબદાર ગણાવીને તેમનું રાજીનામું માગી રહ્યાં છે. શ્રીલંકા પોલીસે 9 મેનાં રોજ થયેલી હિંસામાં 200થી વધુ સંદિગ્ધની ધરપકડ કરી છે. પોલીસે મીડિયા પ્રવક્તાને જણાવ્યું કે 230 લોકોની ધરપકડ કરાઈ છે. આ મામલે વાહન અને સંપત્તિને નુકસાનના લગભગ 707 કેસ નોંધાયા છે.

શ્રીલંકા લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ એટલે કે LTTEના હુમલાનો ખતરો જોવા મળી રહ્યો છે. હાલમાં ભારતીય ગુપ્તચર એજન્સીએ શ્રીલંકાના રક્ષા મંત્રાલયને આ અંગેના ઈનપુટ આપ્યા છે. ભારતીય ઈનપુટ મુજબ 18 મેનાં રોજ LTTE કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે છે.ભારત તરફથી ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા બાદ શ્રીલંકાએ પોતાની સુરક્ષા વધારી દીધી છે. શ્રીલંકાનું કહેવું છે કે તેઓ પણ આ મામલે તપાસ કરશે.
