
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષામાં પોસ્ટ કરવાનો મામલો જોર પકડી રહ્યો છે.
બીજેપી નેતા દીપક પાંડેએ આ અંગે ગ્વાલિયર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે. બીજેપી નેતાની ફરિયાદ બાદ ગ્વાલિયર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કેસ નોંધ્યો છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
જે આઈડીથી આ પોસ્ટ કરવામાં આવી છે તે કોઈ ઠાકુરના નામથી છે. 26 ફેબ્રુઆરીના રોજ ઠાકુર સરસ સિકરવાર નામના ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વિશે અભદ્ર પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટ વાયરલ પણ થઈ હતી. જ્યારે બીજેપી નેતાએ આ પોસ્ટ જોઈ તો તેમણે તરત જ ગ્વાલિયરના એસએસપી અમિત સાંઘી સાથે વાત કરી. તેમણે આ પોસ્ટ અંગે ક્રાઈમ બ્રાન્ચ પોલીસને જાણ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે તે યુઝર વિરૂદ્ધ કેસ નોંધ્યો છે જેના પરથી પોસ્ટ કરવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચની સાયબર ટીમ એ તપાસ કરી રહી છે કે ઠાકુર સરસ સિકરવાર નામનું ઈન્સ્ટાગ્રામ આઈડી કયા આઈપી એડ્રેસ પરથી ચાલી રહ્યું છે. પોલીસ આરોપીઓ સુધી જલ્દી પહોંચવાનો દાવો કરી રહી છે, પરંતુ અધિકારીઓ આ મામલે કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે.