
રણવીર સિંહ ફોટોશૂટને કારણે મુશ્કેલીમાં મૂકાયો
રણવીર સિંહ હાલમાં ન્યૂડ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. રણવીર સિંહ ફોટોશૂટને કારણે મુશ્કેલીમાં મૂકાયો છે. રણવીર વિરુદ્ધ FIR કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રણવીરે સો.મીડિયામાં ન્યૂડ ફોટો શૅર કરીને મહિલાઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે. એક NGOના અધિકારીએ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં આ FIR કરી છે. આ ઉપરાંત રણવીર સિંહને બે ફરિયાદકર્તાએ નોટિસ મોકલીને જવાબ માગ્યો છે. જો રણવીર સિંહ જવાબ નહીં આપે તો FIR કરવાની વાત નોટિસમાં લખવામાં આવી છે.

મુંબઈ પોલીસના અધિકારીએ કહ્યું હતું કે રણવીરે સો.મીડિયામાં ન્યૂડ ફોટો શૅર કરતાં મહિલાઓની ભાવનાને ઠેસ પહોંચી હોવાનો આરોપ મૂકીને FIR કરવામાં આવી છે. રણવીર વિરુદ્ધ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં NGOના એક અધિકારી લલિત શ્યામે ફરિયાદ કરી હતી.
પોલીસે વધુમાં કહ્યું હતું કે ફરિયાદકર્તાએ કહ્યું હતું કે એક્ટરની ન્યૂડ ફોટો જોઈને મહિલાઓ મનમાં શરમ અનુભવે છે. તેમણે ડિમાન્ડ કરી હતી કે રણવીર સો.મીડિયામાંથી તેની ન્યૂડ ફોટો હટાવે.

આટલું જ નહીં ફરિયાદકર્તાએ આ કેસમાં રણવીરની ધરપકડની માગણી કરી છે. રણવીર વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ 509, 292, 294 તથા IT એક્ટના સેક્શન 67A હેઠળ કેસ કરવામાં આવ્યો છે.
ન્યૂડ ફોટોશૂટ અંગે રણવીરે શું કહ્યું?
‘પેપર મેગેઝિન’ને આપેલા ઇન્ટરવ્યૂમાં રણવીર સિંહે કહ્યું હતું કે તે ફિઝિકલી ઘણી જ સરળતાથી ન્યૂડ થઈ શકે છે. જોકે તેણે તેનાં કેટલાંક પર્ફોર્મન્સમાં એટલાં માટે કપડાં ઉતાર્યાં હતાં કે ચાહકો તેના આત્માને જોઈ શકે. તેણે એમ પણ કહ્યું હતું કે તેને હજારોની સામે નેક્ડ થવામાં કોઈ વાંધો નથી. જોકે, ઘણી વખત લોકો અસહજ થઈ જતા હોય છે.