
Rakhi 2026 : રક્ષાબંધન 2026: ભારતીય પોસ્ટે લોન્ચ કર્યા ડિઝાઇનર રાખડી કવર અને ગિફ્ટ બોક્સ
Rakhi 2026 : રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ભારતીય પોસ્ટ વિભાગે બહેનો માટે વિશેષ ડિઝાઇનર રાખડી કવર અને ગિફ્ટ બોક્સની સુવિધા શરૂ કરી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે આ વિશેષ રાખડી કવર અને ગિફ્ટ બોક્સનું અનાવરણ કર્યું હતું. આ સુવિધા દ્વારા હવે બહેનો રાખડી સાથે મીઠાઈ અને ભેટવસ્તુઓ પણ દેશ તેમજ વિદેશમાં સરળતાથી મોકલી શકશે.
Rakhi 2026 : પોસ્ટ વિભાગ દ્વારા રજૂ કરાયેલા રાખડી કવર સંપૂર્ણપણે વોટર-રેઝિસ્ટન્ટ હોવાથી વરસાદ દરમિયાન પણ રાખડી સુરક્ષિત રહેશે. ત્રણ અલગ-અલગ આકર્ષક ડિઝાઇનમાં ઉપલબ્ધ 11×22 સે.મી. કદના રાખડી કવરની કિંમત માત્ર ₹10 (પોસ્ટેજ સિવાય) રાખવામાં આવી છે.
તે ઉપરાંત 250 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોગ્રામ ક્ષમતાવાળા રાખડી ગિફ્ટ બોક્સ પણ ઉપલબ્ધ કરાયા છે. તેની કિંમત અનુક્રમે ₹35, ₹40 અને ₹50 નક્કી કરવામાં આવી છે. આ બોક્સમાં રાખડી ઉપરાંત મીઠાઈ, ગિફ્ટ અને અન્ય ભેટવસ્તુઓ પણ પાર્સલ સેવા મારફતે મોકલી શકાય છે.
આ વિશેષ રાખડી કવર અને ગિફ્ટ બોક્સ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના તમામ હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ તેમજ બ્રાંચ પોસ્ટ ઓફિસોમાં ઉપલબ્ધ રહેશે. ઉપરાંત રેલવે મેઇલ સર્વિસના કાઉન્ટરો પર પણ તેનું વેચાણ કરવામાં આવશે.
Rakhi 2026 : પોસ્ટ વિભાગે રક્ષાબંધન પહેલાં સમયસર વિતરણ માટે નેશનલ સોર્ટિંગ હબ અને પાર્સલ હબમાં ઝડપી સોર્ટિંગની વિશેષ વ્યવસ્થા પણ કરી છે. સાથે જ ઇન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સેવા દ્વારા વિદેશમાં પણ સસ્તા દરે રાખડી મોકલવાની સુવિધા ઉપલબ્ધ છે.
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે અમદાવાદના શાહીબાગ સ્થિત સ્પીડ પોસ્ટ ભવન, મણિનગર રેલવે સ્ટેશન, નવરંગપુરા, હિંમતનગર, મહેસાણા સહિત અનેક સ્થળોએ 24 કલાક પોસ્ટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે. જ્યારે અમદાવાદ જીપીઓ, ગાંધીનગર, કલોલ, ડીસા, પાલનપુર, પાટણ સહિતના મુખ્ય ડાકઘરોમાં સાંજે 8 વાગ્યા સુધી પોસ્ટ બુકિંગ કરી શકાશે.
