Rahul Gandhi દાહોદમાં: પ્રચારનું ફુંકયું રણશિંગું

Rahul Gandhi: ‘આદીવાસી સત્‍યાગ્રહ રેલી’ને સંબોધનઃ ચૂંટણી પહેલા આદિવાસી વોટ બેંકને કોંગ્રેસ તરફ ખેંચવા પ્રયાસ : આદિવાસી સમાજના સળગતા પ્રશ્‍નો, આદિવાસી અસ્‍મિતા, સંસ્‍કૃતિ માટે લડતનો નિર્ધારઃ કોંગ્રેસના નેતાઓ સાથે યોજી બે બેઠક

Rahul Gandhi : કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે છે. અહિંની મુલાકાત દરમ્‍યાન તેઓ આજે સવારે દાહોદના નવજીવન આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ ખાતે ‘આદિવાસી સત્‍યાગ્રહ રેલી’ને સંબોધન કરી રહ્યા છે. આ સાથે તેમણે ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ પણ કર્યા છે.

Rahul Gandhi :આજે સવારે આ લખાય છે ત્‍યારે ૧૧ વાગ્‍યે દાહોદ હેલીપેડ પર તેમનું આગમન થયુ છે ત્‍યાંથી તેઓ સીધા સભા સ્‍થળે પહોંચ્‍યા છે. મિશન – ૨૨ની ચૂંટણી માટે તેમની આ પ્રથમ સભા છે.

કોંગ્રેસ સદાય આદિવાસી સાથે રહી છે. સમગ્ર ટ્રાઇબલ આદિવાસી વિસ્‍તારમાં જુદા જુદા પ્રશ્નો માટે કોંગ્રેસ સત્‍યાગ્રહ કરશે. જેનું લોન્‍ચિંગ આવતીકાલે રાહુલ ગાંધી કરશે. ૧૦ હજાર આદિવાસી પરિવારોને અમે મળવા જઈશું. સવારે ૧૧ વાગે રાહુલ ગાંધી હેલિપેડથી સભા સ્‍થળે આવશે. મધ્‍ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કાર્યકર્તા આગેવાનો અને પ્રજાને સંબોધન કરશે. ત્‍યારબાદ રાહુલ ગાંધી ધારાસભ્‍ય સાથે મિટિંગ કરશે. આ સત્‍યાગ્રહ ૬ મહિના ચાલશે. જેનું આયોજન કેવી રીતે કરવું અને સફળ કેવી રીતે બનાવવું તેનું માર્ગદર્શન રાહુલ ગાંધી આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની આદિવાસી સત્‍યાગ્રહ રેલી થકી કોંગ્રેસ ચૂંટણીમાં આદિવાસી મતો અંકે કરવા પ્રયત્‍નો શરૂ કરી દેશે. રાહુલ ગાંધીના પ્રવાસ બાદ આગામી સમયમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓનો ગુજરાત પ્રવાસમાં વધારો થશે તેવી અટકળો પણ વહેતી થવા પામી છે.

આ પછી રાહુલ ગાંધી દાહોદના ગોવિંદ નગરમાં સ્‍વામી વિવેકાનંદ સંકુલમાં કોંગ્રેસના ધારાસભ્‍યોની બેઠકને સંબોધશે.

આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી દાહોદમાં જ ગુજરાતના આદિવાસી આગેવાનો સાથે બીજી બેઠક કરશે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી પણ ૨૦ એપ્રિલે આદિવાસી સભામાં ભાગ લેવા દાહોદ પહોંચ્‍યા હતા. અહીં તેમણે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના રેલવે વર્કશોપની સ્‍થાપના કરવાની જાહેરાત કરી.

આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટીના રાજય એકમમાં જૂથવાદને પગલે રાહુલ ગાંધીની મુલાકાત આવી છે. તાજેતરમાં કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્‍ય અશ્વિન કોટવાલ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા.

આદિવાસીઓને કોંગ્રેસની પરંપરાગત વોટબેંક માનવામાં આવે છે. ૨૦૧૭ના ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી, ભાજપે કોંગ્રેસના ૫ થી વધુ આદિવાસી ધારાસભ્‍યોને પોતાના ફોલ્‍ડમાં લાવીને આદિવાસી વોટબેંકને તોડવાનો પ્રયાસ કર્યો હતો. ત્‍યારપછીની પેટાચૂંટણીમાં ભાજપને આદિવાસીઓનું સારું સમર્થન મળ્‍યું હતું, જેનાથી કોંગ્રેસના કપાળમાં જોર આવ્‍યું હતું. આથી કોંગ્રેસ ફરી એકવાર ગુજરાતની ચૂંટણી પહેલા પોતાની પરંપરાગત વોટબેંક કેળવવા પ્રયાસ કરી રહી છે. આ માટે ગુજરાત કોંગ્રેસે ઉમરગાંવના તમામ આદિવાસી વિસ્‍તારોમાં ૧૦૦૦ નાની ખાટ પંચાયતોની જાહેરાત કરી છે. આ સાથે કોંગ્રેસના સ્‍થાનિક નેતાઓ પણ એક પેજની સમિતિ બનાવશે.

બીજી તરફ ભાજપે પણ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦+ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્‍યું છે અને આ માટે પાર્ટીની નજર આદિવાસી, ST-SC વોટ બેંક પર છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિતભાઇ શાહ પણ છેલ્લા કેટલાક મહિનામાં ઘણી વખત ગુજરાતની મુલાકાતે આવ્‍યા છે. આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્‍વીનર અરવિંદ કેજરીવાલે તાજેતરમાં આદિવાસીઓના સમર્થનમાં રેલી કાઢી હતી. આ રેલીમાં AAP અને છોટુભાઈ વસાવાની પાર્ટીની પાર્ટી BTP એ આગામી વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરી હતી. BTP એટલે કે ભારતીય ટ્રાઈબલ પાર્ટી આદિવાસીઓની પાર્ટી માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *