
PM 28 ઓગસ્ટ ના કચ્છમાં સભામાં 2લાખની ભીડ ભેગી કરવાનો ટાર્ગેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 28 ઑગસ્ટે ભુજમાં સ્મૃતિવન સહિત કરોડોના ખર્ચે આકાર પામેલી અને પામનારી અનેકવિધ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા આવી રહ્યાં છે. કચ્છ યુનિવર્સિટીના વિશાળ મેદાનમાં જાહેર સભાનું આયોજન કરાયું છે.
કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લાં પંદર દિવસથી જિલ્લાનું વહીવટી તંત્ર રીતસરનું મચી પડ્યું છે. પરિણામે રૂટિન વહીવટી કામગીરી સંપૂર્ણ લકવાગ્રસ્ત થઈ ગઈ છે. મોટાભાગના સરકારી તંત્રો અને અધિકારીને કોઈને કોઈ પ્રકારની ખાસ કામગીરી સોંપાઈ છે.
તેમાં’ય તલાટીઓની અનિશ્ચિત મુદ્દતની હડતાળથી વહીવટ રીતસર ‘ખાડે’ ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રોજ સવાર પડે ને મીટીંગો, સમીક્ષાઓ અને પ્રવાસોનો દૌર શરૂ થાય છે.
અંદાજે 2 લાખની ભીડ એકત્ર કરવાનું ટાર્ગેટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આડે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે વડા પ્રધાનની આ ‘સરકારી’ મુલાકાત સૂચક છે. ભુજમાં યોજાનારી જાહેર સભામાં અંદાજે 2 લાખ લોકોની મેદની એકઠી કરવાનું આયોજન છે. ખાસ કરીને, રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના ‘લાભાર્થી’ઓને જાહેર સભામાં ઉપસ્થિત રાખવા તંત્રએ તાલુકાવાઈઝ ખાસ સમિતિઓ નીમી છે.
વહીવટી તંત્ર સાથે ભાજપ સંગઠન પણ મેદાને
વહીવટી તંત્ર સાથે ભાજપ સંગઠને પણ મહત્તમ લોકો એકત્ર થાય તે માટે આયોજન કર્યું છે. મોટા ગામોમાં બુથદીઠ 100 માણસો એકઠાં કરી સભામાં લઈ આવવા આયોજન કરાયું છે. તે માટે બુથદીઠ 10 વ્યક્તિની સમિતિઓ બનાવાઈ છે.
કચ્છમાં કુલ 1854 બુથ છે. આ સંદર્ભે મંગળવારે સવારે ભુજમાં કચ્છના સાત શહેરો અને 10 તાલુકા મળી તમામ 17 મંડળના ઈન્ચાર્જ, મંત્રી, મહામંત્રીઓ સહિતના હોદ્દેદારોની એક બેઠકનું આયોજન કરાયું છે જેમને જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ સહિતના આગેવાનો માર્ગદર્શન આપશે. ખાનગી વાહનોમાં આવતાં કાર્યકરોને પણ તેમની સાથે બીજા કાર્યકરો લઈ આવવા સૂચના અપાઈ છે.
2400 એસટી બસ ફાળવવા તંત્રએ માંગણી મૂકી
કચ્છના દસેય તાલુકાના ગામેગામથી લાભાર્થીઓને ભુજ લાવવા-મૂકવા માટે 2400 એસટી બસ ફાળવવા તંત્રએ એસટી નિગમ પાસે માંગણી મૂકી છે. જે પૈકી કચ્છના એસટી વિભાગના કાફલામાં રહેલી 350 બસમાંથી અંદાજે 150 બસ ફાળવાય તેવી શક્યતા છે, બાકીની બસ રાજ્યના અન્ય જિલ્લામાંથી ફાળવાશે. એસટીના વિભાગીય નિયામક વાય.કે. પટેલના જણાવ્યા મુજબ અડધી બસો ફાળવાતાં સ્વાભાવિક છે કે લોકલ રૂટ્સ પરની યાતાયાતને અસર થશે. જો કે, એક્સપ્રેસ રૂટ ચાલું રહેશે.
પ્રત્યેક બસમાં 50 પ્રવાસી, બસદીઠ એક સુપરવાઈઝર
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રત્યેક એસટી બસમાં મીનીમમ ૫૦ લોકો આવે તેવું આયોજન છે. પ્રત્યેક એસટી બસદીઠ એક-એક સુપરવાઈઝર નીમાશે. આ સુપરવાઈઝર જે-તે ગામનો શિક્ષક કે તલાટી હશે. બસમાં આવનાર લાભાર્થીઓને બે ટાઈમ ભોજન માટેના ફૂડપેકેટ અને પાણીની બોટલો મળે તેવી સુવિધાનું આયોજન કરાયું છે.
ઉદ્યોગગૃહોને પણ કામદારો મોકલવા હુકમ…!!!!
મહત્તમ જનમેદની એકઠી કરવા માટે કચ્છમાં કાર્યરત વિવિધ ઉદ્યોગગૃહોને પણ તેમના શ્રમિકો મોકલવા GPCB દ્વારા મૌખિક આદેશ છોડાયાં હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. જો કે, અધિકારીઓ આ મામલે સત્તાવાર રીતે ઈન્કાર કરે છે.
અન્ય વિવિધ પ્રકલ્પના લોકાર્પણ-ખાતમુહૂર્ત
પીએમ દ્વારા સ્મૃતિવનના લોકાર્પણ સાથે કચ્છમાં મોડકુબા સુધી પહોંચેલા નર્મદા નીરના પ્રતીક વધામણાં કરાય, ભીમાસર-ભુજના સૂચિત ફોર લેન હાઈવેનું ખાતમુહૂર્ત, ગાંધીધામમાં નિર્મિત આંબેડકર ભવનનું લોકાર્પણ, વીર બાળભૂમિ સ્મારક સહિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્તનું આયોજન છે.
પંચાયત સંવર્ગના તલાટીઓની હડતાલ સમેટાઈ
હવે તલાટીઓ પણ pm ના આગમની તૈયારીઓ ના કામે લાગશે
પંચાયત રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશ મેરજા સાથે યોજાયેલ ફળદાઈ બેઠકમાં લેવાયો નિર્ણય
રાજ્યમાં પંચાયત સંવર્ગના તલાટીઓ દ્વારા તેમની માંગણીઓ સંદર્ભે હડતાલ ચાલી રહી હતી જે આજે તેઓએ પરત ખેચીને હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો છે એમ પંચાયત તલાટી મંડળ એસોસિ એશના પ્રમુખ શ્રી દ્વારા જાહેરાત કરાઈ છે.
ગાંધીનગર ખાતે પંચાયત રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષ સ્થાને એસોસિએશન હોદ્દેદારો તથા પંચાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં તેઓના પ્રશ્નો અને માંગણીઓ સવિસ્તૃત ફળદાયી ચર્ચા વિચારણા કરાઈ હતી. જેના પરિણામે મંડળ દ્વારા આ હડતાલ પરત ખેંચવાનો નિર્ણય કરાયો છે અને તેઓ શ્રી આવતીકાલથી જ પોતાની ફરજ ઉપર હાજર થઈ જશે તેમ તેમણે ઉમેર્યું હતું.
