ગુજરાતનાં 4 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ 28 ફેબ્રુઆરી સુધી લંબાવાયો, હવે રાતના 12થી 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે

રાજ્યમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ધમધમાટ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ત્રણ નેતા કોરોના પોઝિટિવ આવ્યા છે, જેની વચ્ચે આજે રાજ્યનાં ચાર મહાનગરમાં 28 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપવામાં આવી છે. હવે 12થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં હતો.
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવા અંગે આજે બપોરે ત્રણ વાગ્યે મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ રાત્રિ કર્ફ્યૂ અંગે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે. અમદાવાદ પોલીસ કમિશનર પણ જાહેરનામું બહાર પાડી શકે છે.
1 ફેબ્રુ.એ 15 ફેબ્રુઆરી સુધી કર્ફ્યૂના અમલનો નિર્ણય કર્યો હતો
ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ કાબૂમાં છે અને રિકવરી રેટ લગભગ 97 ટકા આસપાસ છે. એવા સમયે ગુજરાત સરકારે ચાર મહાનગરના લોકોને વધુ રાહત આપતો નિર્ણય કરીને પહેલી ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીના સમય દરમિયાન રાત્રિ કર્ફ્યૂ 11 વાગ્યાથી લઇને સવારે 6 વાગ્યા સુધીનો કર્યો હતો. સરકારની સૂચના અનુસાર, 15 ફેબ્રુઆરી બાદ જો કોરોના સંક્રમણની સ્થિતિ વધુ કાબૂમાં રહેશે તો પુનઃ સમીક્ષા કરીને કર્ફ્યૂ હટાવવા કે એમાં વધુ ઘટાડો કરવાનો નિર્ણય લેવાઇ શકે છે.

લગ્ન સહિતના પ્રસંગો યોજનારા પરિવારો માટે સારા સમાચાર
રાત્રિ કર્ફ્યૂની સાથે સરકાર લગ્ન પ્રસંગ તેમજ અન્ય જાહેર કાર્યક્રમો માટે પણ છૂટછાટ આપી શકે છે. એક મહિના પહેલાં અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં લગ્ન અને અન્ય પ્રસંગો યોજનારા પરિવારો માટે હાશકારો થાય એવા સમાચાર પણ છે. રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે સામાજિક કે ધાર્મિક સમારોહ જો ખુલ્લા સ્થળોમાં, પાર્ટી પ્લોટ કે કોમન પ્લોટ જેવાં સ્થળોએ યોજાવાના હોય તો એમાં વ્યક્તિ મર્યાદા રહેશે નહીં. જ્યારે બંધ સ્થળો જેવાં કે હોલ, બેન્ક્વેટ કે હોટલ, ઘર કે અન્ય કોઇ ખાનગી કે જાહેર મકાન અથવા જ્ઞાતિની વાડીઓમાં સમારોહ યોજવો હોય તો એ સ્થળની કુલ વ્યક્તિ ક્ષમતાના પચાસ ટકા પણ સંખ્યાની દૃષ્ટિએ 200થી વધુ નહીં તેટલા લોકો ભાગ લઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *