MURDER IN MUNDRA TALUKA : થોડા દિવસ પહેલા જ ઝારખંડથી નોકરી કરવા આવેલા યુવકની લાશ મળી

MURDER IN MUNDRA TALUKA : કચ્છમાં જાણે કાયદા-વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તેમ એક બાદ એક આઠ દિવસમાં ચાર હત્યાના બનાવ બનતા ચકચાર મચી છે. થોડા દિવસ પહેલા જ ઝારખંડથી અહીં નોકરી કરવા આવેલા યુવકની કપાયા નજીકથી લોહીલુહાણ હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવતા હત્યા કોણે અને કયા કારણોસર કરી તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા આઠ દિવસમાં હત્યાનો આ ચોથો બનાવ છે.
આ અંગે મુન્દ્રા પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ ગતરાત્રિના 10:00 વાગ્યાથી આજે ગુરુવારે સવારના 10:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મુન્દ્રાના બોરાણા સર્કલ નજીક યસ વોટર પ્લાન્ટ કંપની સામેથી મૂળ ઝારખંડના અને હાલ ધ્રબ ગામની શ્રમિક સોસાયટીમાં રહેતા 20 વર્ષીય ઓમચંદ્ર માજી નામના યુવકની લાશ મળી આવી છે.

MURDER IN MUNDRA TALUKA : અજાણ્યા ઈસમોએ અગમ્ય કારણોસર યુવકની હત્યા કરી હોવાનું મૃતકના પરિચિત કલિન્દર બસરા એ પોલીસ દફતરે નોંધાવેલી ફરિયાદમાં જાહેર કર્યું છે. હત્યાના આ બનાવ અંગે પીએસઆઇ ડીજે ઠાકોરના વડપણ હેઠળ પોલીસ ટીમ તપાસ ચલાવી રહી છે. આરોપીઓના સગડ મેળવવા સાથે તેમને પકડવા સુરક્ષા તંત્ર દ્વારા વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી છે.
હત્યાના બનાવની તપાસ કરી રહેલા મુન્દ્રા પીએસઆઇ ડીજે ઠાકોર સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ગત 31ની રાત્રે ઝારખંડથી અહીં નોકરી કરવા માટે ઓમ ચંદ્ર આવ્યો હતો. અહીં તેના મિત્રો સાથે શ્રમિક વસાહતમાં રહેતો હતો અને ઘટના સ્થળ પાસેના વોટર પ્લાન્ટમાં મજૂરી કામ કરતો હતો. દરમિયાન આજ સવારે તેની લાશ મળી આવી છે.
બનાવનું કારણ અને આરોપીઓની શોધખોળ પ્રક્રિયા માટે નજીકના લોકોની પુછપરછ ચાલી રહી છે. વધુ વિગતો મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે. હતભાગી યુવક આ પહેલા પણ મુન્દ્રા ખાતે શ્રમકાર્ય કરવા આવ્યો હતો.