5 EMPLOYEES MISSING : કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં છોડાયેલું પાણી લુણાવાડાના હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ચાલ્યું જતાં પ્લાન્ટના કૂવામાં 5 કર્મચારી ગૂમ

ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે અનેક નદી-નાળા અને ડેમ છલકાયા છે, ત્યારે મહીસાગરના કડાણા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડતાં તાત્રોલી પાસે આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો છે. સમગ્ર ઘટનામાં પ્લાન્ટમાં કામગીરી કરી રહેલા 5 કર્મચારીઓ પ્લાન્ટના કૂવામાં ગૂમ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે લુણાવાડા તાત્રોલી મહી બ્રિજ પાસે દોલતપુરા ગામ ખાતે આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં આજે ગુરુવારે (4 સપ્ટેમ્બર) પાણીનો ધસી આવ્યું હતું. જેમાં 5 કર્મચારીઓ પ્લાન્ટમાં ગરકાવ થયા હોવાનું જણાય છે. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ સ્થળ પર હાજર થઈ ગયા હતા અને લાપતા કર્મચારીની તપાસ કરવામાં આવી રહી છે.

ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને તેમજ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે કડાણામાંથી આજે (4 સપ્ટેમ્બર) સાંજે 6 વાગ્યે 3 લાખ ક્યુસેક જેટલું પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. મહીસાગર નદીમાં પાણી છોડાતા 106 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.