
સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી દ્વારા ઉત્તર ગુજરાતનાં શિક્ષણવિદ માણેકલાલ એમ. પટેલ સાહેબની ૯૪ મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ
કર ભલા હોગા ભલા અને “શિક્ષણ એ જ સાચી સેવા”નાં અભિગમ તથા શિક્ષણ સાથે સામાજીક ઉત્થાનનું કાર્ય કરતી સર્વ વિદ્યાલય કેળવણી મંડળના વિકાસમાં જેમનો સિંહફાળો રહ્યો છે અને “શિક્ષણ એ જ સાચી સેવા”ના સૂત્રને જીવનમંત્ર બનાવનાર પૂજ્ય માણેકલાલ એમ. પટેલ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે સર્વ વિદ્યાલય કેમ્પસ – કડી તથા ગાંધીનગરમાં છેલ્લા ૧૨ વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે.

વિદ્યાર્થી આવતીકાલનો નાગરિક છે ત્યારે સમાજનાં હિતમાં હરહંમેશ સામાજીક જીવનમાં સારા નાગરિકોનું નિર્માણ કરનાર અને શિક્ષણની સાથે સાથે સમાજ સેવાના અવિરત કાર્ય કરતી સર્વ વિદ્યાલયમાં રક્તદાન મહાદાનની ભાવના સાથે રાષ્ટ્રનાં નાગરિકોને સમયસર રક્ત મળી રહે
તે હેતુથી યોજાયેલ અગિયારમી રક્તદાન શિબિરમાં અત્યારસુધીની સૌથી વધુ કડી કેમ્પસ ખાતે ૭૩૧ અને ગાંધીનગર કેમ્પસ ખાતે ૪૧૪ થઇ કુલ ૧૧૪૫ રક્ત યુનિટો એકત્રિત કરવામાં આવેલ હતા. રક્તદાન દ્વારા એકત્રિત કરેલ રક્ત યુનિટો માનવ કલ્યાણ અર્થે રેડક્રોસ સોસાયટી અને સર્વોદય બ્લડ બેંક ખાતે મોકલી આપવામાં આવેલ હતા. સર્વ વિદ્યાલય પરિવાર વર્ષ ૨૦૧૨ થી લઇ ૨૦૨૩ સુધીમાં કુલ ૧૦૩૬૯ જેટલી રક્તની બોટલો ૧૨ રક્તદાન શિબિરો દ્વારા એકત્રિત કરી માનવ કલ્યાણની સુંદર કામગીરી કરી છે. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન સાહેબશ્રી વલ્લભભાઈ એમ. પટેલ સંસ્થાના મંત્રીશ્રીઓ ડૉ. મણીભાઈ પટેલ, ડૉ. રમણભાઈ પટેલ, શ્રી મહેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ પટેલ, ડૉ. આનંદભાઈ પટેલ અને ભગીની સંસ્થાના સર્વે પ્રિન્સીપાલશ્રીઓ રક્તદાનનું પ્રતિક એવા સફેદ અને લાલ ફુગ્ગાને ખુલ્લા આકાશમાં ઉડાડી, દીપ પ્રાગટય કર્યા બાદ રક્તદાતાઓને રક્ત યુનિટની બેગ આપી રક્તદાન શિબિરની શરૂઆત કરી હતી. આ સર્વે આમંત્રિત મહાનુભાવોએ રક્તદાતાઓને પ્રોત્સાહન પુરુ પાડયુ હતું. (સર્વ વિદ્યાલય કેમ્પસ,કડી.)
