
ભગવાન જગન્નાથની ભવ્ય નગરચર્યા સંપન્ન:ત્રણેય રથ નિજમંદિરે પરત, લાખો નગરજનોએ સાક્ષાત પધારેલા ભગવાન જગન્નાથ, સુભદ્રાજી, બલરામજીના આશીર્વાદ લીધા
અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યા રંગેચંગે સંપન્ન થઈ છે. કોરોનાકાળમાં એક વખત મંદિર સંકુલમાં જ અને બીજા વર્ષે ભક્તો વિના નગરમાં રથયાત્રા નીકળી હતી. પરંતુ આ વર્ષે લાખો ભક્તોની મેદનીને આશીર્વાદ આપીને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથ નિજમંદિરે પહોંચી ગયા છે. તેમાં પણ મંદિર મહંત દિલીપદાસજી રથ પહેલા પહોચી ગયા હતા.

આજે સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાનાં દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદવિધિ કરી હતી. તેમણે ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ત્રણેય રથ મંદિરેથી પ્રસ્થાન કરી મોસાળ સરસપુરથી નિજ મંદિર તરફ પ્રયાણ કરી રહ્યાં છે. હવે ત્રણેય રથ સરસપુરથી રવાના થઈ આર.સી હાઈસ્કૂલ પહોંચી ગયાં હતાં. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રના રથના રથ નીજ મંદિર પરત ફરી રહ્યા છે. તો જમાલપુર મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો હાજર છે. ગજરાજો મંદિર પહોંચી ગયા છે. રથ પહોંચવાના છે ત્યારે પૂર્વ તૈયારી માટે મંદિરના દ્વારા બંધ કરાયા છે. આ પહેલાં રથયાત્રા શાહપુર પહોંચતા જ કેબિનની છત તુટી પડતાં બાળકો સહિત 20થી વધુ લોકો પડ્યા, ગૃહમંત્રી અને પોલીસ કમિશ્નર હાજર હતાં.

ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાને લઈને માહોલ જામ્યો હતો.મોટી સંખ્યામાં સ્થાનિકો અને અન્ય ભક્તો દર્શન માટે આવી રહ્યા હતા.એક બાદ એક રોડ રસ્તા પર બંધ કરવામાં આવ્યા હતા. ટ્રકો ઢાળની પોળથી પસાર થઈ હતી. અખાડા ઢાળની પોળ પહોંચ્યા. પોલીસ પણ સતત પેટ્રોલિંગ વચ્ચે રથયાત્રાના રૂટ પર લોકોની ભીડ ઊમટી. ‘જય રણછોડ માખણચોર’ના નાદ સાથે ભક્તો રથયાત્રાનો આનંદ લઈ રહ્યાં. ભજન મંડળીઓ પણ ધીરે ધીરે આગળ વધી. રથયાત્રાના રૂટ પર રામ મંદિરની ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી.ભજન મંડળીઓ વૈશ્યસભા પહોંચી.
ભગવાન જગન્નાથ સહિત બહેન સુભદ્રા અને બળભદ્રજીના આંખેથી રેશમી પાટા ઉતારી લેવામાં આવ્યાં હતા અને સાથે જ ભગવાનને પ્રિય ખીચડો અને કોળા-ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર જગન્નાથ મંદિર પહોંચ્યા. આ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી અને ધારાસભ્ય જગન્નાથ મંદિર પહોંચ્યા અને ભગવાન જગન્નાથ સહિત ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કર્યા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 3.50 વાગ્યે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારે 3:55 વાગ્યે ભગવાનના કપાટ ખુલ્યા હતા અને ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી. વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રથની આસપાસ RAFના જવાનો ગોઠવવામાં આવ્યા છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આજે જગતનાથ નગરચર્યાએ નીકળી. ત્યારે મંગળા આરતી બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મહેન્દ્ર ઝા દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પાઘડી પહેરાવી હતી. અમિત શાહની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મંદિરે પહોંચ્યા. જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું. મંગળા આરતી કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રવાના થયા હતા. મંદિર પરિસરમાં ભક્તોએ ગરબા કર્યા હતા. તો મોડી રાતથી ભક્તોમાં નાથની નગરચર્યાને લઈને ઉત્સાહ. ગુરૂવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનો સોનાવેશ કરાયો હતો. સવારે મંત્રોચ્ચાર વિધિ સાથે ભગવાનને સોનાના અલંકારો અર્પણ કરવામાં આવ્યા હતા.

1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાયા. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરી કે, લોકો માસ્ક જરૂરથી પહેરે. આ ઉપરાંત મંદિરના ટ્રસ્ટે લોકોને અપીલ કરી હતી કે, જ્યારે પણ લોકો ભગવાનના દર્શન કરવા માટે આવે ત્યારે માસ્ક પહેરે, જેથી કોરોનાના કેસો વધુ વકરે નહીં. રથયાત્રાના રૂટ પર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા માસ્કનું વિતરણ કર્યુ હતું.
રથયાત્રામાં માસ્ક પહેરવા લોકોને અપીલ
જગતના નાથની નગરચર્યાના બંદોબસ્તમાં આ વર્ષે 25,000 જેટલા વિવિધ રેન્કના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે. ઉપરાંત દર વર્ષથી વિશેષ આકાશી અને જમીની એમ બંને સ્તરે ટેક્નોલોજીના માધ્યમથી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી. જેમાં હેલિકોપ્ટર તેમજ ડ્રોનથી આકાશમાં અભેદ્ય સુરક્ષા ગોઠવવામાં આવી હતી. બીજી તરફ જમીની સ્તર પર હાઈરિઝોલ્યુશન સીસીટીવીથી વોચ રાખવામાં આવી હતી. જેમાં 46 ફિક્સ્ડ લોકેશન અને અન્ય મુવિંગ બંદોબસ્ત તથા વ્હીકલ માઉન્ટેડ હતા. રથયાત્રાના બંદોબસ્તમાં તૈનાત જવાનો પૈકી 2500ને બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરાયા હતા.

અગાઉથી નક્કી રૂટને આધારે રથયાત્રા કુલ 7 પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી પસાર થઈ હતી. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રાજીના રથ સિવાય 101 સુશોભિત ટ્રક જોડાયા હતા. આ ટ્રકનું ‘એન્ટિ સેબોટેજ ચેક’ ફરજિયાત હતું. આ તપાસમાં ટ્રકમાં કોઈ જીવલેણ હથિયાર કે અન્ય નુકસાનકારક સામગ્રી ન હોવાની ખરાઈ કરવામાં આવી હતી. દર 10 ટ્રક પછી એક પોલીસવાન ગોઠવવામાં આવી હતી. તેમજ GPSની મદદથી વાહનોનું લાઈવ ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું.
રથયાત્રા દરમિયાન સંદેશા વ્યવહાર સતત ચાલુ રહે તે માટે પણ પુરતું આયોજન કરવામાં આવ્યું હતું. VHF વાયરલેસ વોકીટોકીના કુલ 16 ચેનલ પર સતત સંદેશાવ્યવહાર ચાલુ રાખવામાં આવી હતી. કારંજ, માધવપુરા, શહેરકોટડા, ખાડિયા, શાહપુર, ગાયકવાડ હવેલી, કાલુપુર, દરિયાપુર એમ કુલ 8 પોલીસમથકોમાં મીની કંટ્રોલરૂમ રાખવામાં આવ્યા હતા.

આજના સમયમાં સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે કોઈ ઉપદ્રવી તત્વ સોશિયલ મીડિયા થકી સૌહાર્દનો માહોલ બગાડવાનો પ્રયાસ ન કરે તે માટે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર અને વ્હોટ્સએપ સહિતના માધ્યમો પર ચાંપતી નજર રાખવા માટે શહેર પોલીસ સ્થાનિકોની પણ મદદ લીધી હતી. જો સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિની શંકાસ્પદ ગતિવિધી જણાઈ આવે તો તાત્કાલિક તેનું IP એડ્રેસ મેળવીને તેની ઉલટતપાસ કરવામાં આયોજન કરાયું હતું. સાયબર ક્રાઈમની વિવિધ ટીમો ખાસ સોફ્ટવેરની મદદથી સોશિયલ મીડિયા સર્વેલન્સ રાખ્યું હતું. સુરક્ષા માટે હ્યુમન ઈન્ટેલિજન્સનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવાનું પણ પોલીસ વિભાગે આયોજનકર્યું હતું.


