PGVCL ENGINEERS LEAD OPERATION IN RAPAR : પીજીવીસીએલની 10 ટીમોએ રાપર તાલુકામાં 401 વિજ જોડાણોની તપાસ કરી, 30 લાખની વિજ ચોરી પકડાઈ

રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા વ્યાપક વિજ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પીજીવીસીએલના મુખ્ય ઈજનેર અંજારના ચૌધરી અને ભચાઉના કાર્યપાલક ઈજનેર ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 10 ટીમો દ્વારા આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ટીમોમાં પીજીવીસીએલના અધિકારીઓ વી.પી. ગોહિલ (પોરબંદર), કે.પી. ગોહિલ (સુરત), પી.એસ. વસોડિયા (મોરબી), એમ.એચ. પટેલ (જામનગર), વી.આર. ગાંવિત (ભુજ) અને એ.બી. પ્રજાપતિ (રાપર) સહિતના અધિકારીઓ સામેલ હતા.
આ અભિયાન દરમિયાન કુલ 401 વિજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી. આ જોડાણોમાં કોમર્શિયલ અને રહેણાંક બંને પ્રકારના જોડાણો સામેલ હતા. તપાસ દરમિયાન 16 જોડાણોમાં ગેરરીતિ જણાઈ આવી હતી, જેમાં કુલ 30 લાખ રૂપિયાની વિજ ચોરી પકડાઈ હતી.

રાપર પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેર એ.બી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ ગેરરીતિ અંગે પીજીવીસીએલ દ્વારા દંડની કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન વિજ ચોરી રોકવા અને નિયમિત વિજ વપરાશને પ્રોત્સાહિત કરવા માટે હાથ ધરવામાં આવ્યું હતું.