ACCIDENT IN SAPEDA VILLAGE : અંજારના સાપેડા ગામે ભારે વાહનો, ટ્રેલર-ટ્રક વચ્ચે અકસ્માત, હાઈવે પર ટ્રાફિક જામ

અંજારના સાપેડા ગામે આહિર સમાજવાડી નજીક ભારે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. એક પછી એક ભારે વાહનો ધડાકાભેર એકમેક સાથે અથડાઇ પડતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
અકસ્માતમાં ટ્રેલર અને ટ્રકો વચ્ચે ટક્કર થઈ હતી. ટ્રેલરની કેબિનમાં ફસાયેલ ચાલકને બહાર કાઢવા સ્થાનિકોએ પ્રયત્નો હાથ ધર્યા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અંગે અંજાર પોલીસ મથકનો સંપર્ક સાધતા હાજર કર્મચારીએ જણાવ્યું કે બે માલવાહક વાહન ટકરાયા હોવાની ખબર મળી છે પરંતુ કોઈ જાનહાની થઈ નથી.ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ ઉમટી પડતા ટ્રાફિક સમસ્યા બેવડાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ પોલીસમાં જાણ કરી હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કચ્છમાં બેફામ ચાલતા માલવાહક વાહનોના કારણે પ્રતિદિન માર્ગ અકસ્માતની નાની મોટી ઘટનાઓ બનતી રહે છે. આના કારણે લોકોના જાનમાલની નુકશાની પણ થતી હોય છે. આવા વાહનોની ગતિ ઉપર અંકુશ આવે એવી માગ પ્રબળ બની રહી છે.
ઘટના સમયના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા અકસ્માત અંગે લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.