
મોરબી નગરપાલિકાએ હાઈકોર્ટ સમક્ષ સ્વીકાર્યું છે આ પહેલા બ્રિજનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી નહોતી. જેમાં ડિસેમ્બર 2021થી માર્ચ 2022 સુધી બ્રિજ જર્જરિત હાલતમાં હોવા છતાં તેને સામાન્ય લોકોના ઉપયોગ માટે લેવામાં આવ્યો હતો.
મોરબીના ઝુલતા પુલ અકસ્માત અંગે ગઈકાલ બાદ આજે ફરી હાઈકોર્ટમાં ફરી એકવાર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે સમગ્ર મામલાની સુઓમોટોનું સંજ્ઞાન લઈને અરજી દાખલ કરી છે. ત્યારે હાઈકોર્ટે કડક વલણ આ મામલે અપનાવ્યું છે. ગઈકાલે ચીફ ઓફિસર સામે સરકાર દ્વારા કરાયેલી કાર્યવાહી અંગે તેમજ દોઢ પાનાના કરાર સામે તેમજ અન્ય પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સાથોસાથ ગુજરાત હાઈકોર્ટે સરકાર અને જવાબદારોને પ્રશ્ન કર્યા હતા. ત્યારે આજે ફરી આ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી.

હાઈકોર્ટે મોરબી નગરપાલિકા સામે આકરી ટીપ્પણી કરી છે. એગ્રીમેન્ટ વગર બ્રિજનો ઉપયોગ કેવી રીતે કરવા દેવામાં આવ્યો. હાઈકોર્ટે ઈન્ચાર્જ ચીફ ઓફિસરને 24 નવેમ્બરના રોજ રૂબરૂ હાજર રહેવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ સાથે કોર્ટે એફિડેવિટ પર ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલાની વધુ સુનાવણી 24 નવેમ્બરે હાથ ધરવામાં આવશે.

મોરબી નગરપાલિકા દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી
હાઈકોર્ટે મોરબી દુર્ઘટના સંદર્ભે ગૃહ વિભાગ, મુખ્ય સચિવ, મોરબી નગરપાલિકા, માનવ અધિકાર પંચ વગેરેને નોટિસ પાઠવી 10 દિવસમાં રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. જો કે મોરબી નગરપાલિકા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. નોટિસનો જવાબ ન આપવા બદલ ગુજરાત હાઈકોર્ટે પાલિકાની આ બેદરકારી ગંભીરતાથી લીધી છે. મોરબી નગરપાલિકાએ જવાબ ન આપતા એક લાખનો દંડ ભરવા માટે તૈયાર રહેવા સૂચના આપી હતી.