કોવિડને કારણે થયેલા મૃત્યુને જાહેર કરવાની કચ્છીઓની પહેલ

મુંબઈમાં છેલ્લાં બે અઠવાડિયાંથી કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. એમાં ત્રણ દિવસમાં કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના ૧૦ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોવાથી સમાજમાં એ ચર્ચાનો વિષય બની ગયો છે. મુંબઈમાં વસતા સમાજના લોકો કોવિડના સંપર્કમાં ન આવે એ માટે સમાજની શ્રી ક.વી.ઓ. જૈન ખબરપત્રિકા સમિતિએ અનોખી પહેલ કરી છે. દરરોજ સમાજના લોકો કોવિડથી મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યા હોવાની માહિતી લોકો સુધી પહોંચે અને તેમનામાં જાગૃતિ આવે એ માટે પત્રિકા સમિતિએ કોવિડથી મૃત્યુ પામનારા લોકોની મરણ-ખબરમાં કોવિડથી મૃત્યુ થયાની નોંધ લખવાની શરૂઆત કરી છે. મોટા ભાગના લોકો કોવિડથી મૃત્યુના સમાચાર છુપાવી રહ્યા છે ત્યારે આ મહામારીથી મૃત્યુ થવાની જાહેરમાં નોંધ કરવામાં આવી રહી છે.
શ્રી કચ્છી વીસા ઓસવાળ જૈન ખબરપત્રિકામાં સમાજના લોકો માટે સાહિત્ય પીરસવામાં આવે છે. આ પત્રિકાનું સંચાલન સમિતિ દ્વારા કરવામાં આવે છે. મુંબઈ અને આસપાસમાં ૪૦ હજાર જેટલા કચ્છી વીસા ઓસવાળ પરિવાર વસે છે. આ સમાજમાં છેલ્લા કેટલાક સમયથી કોવિડને લીધે મૃત્યુ થવાના કેસમાં વધારો થયો હોવાથી પત્રિકા સમિતિ દ્વારા જે પરિવારમાં મરણ થયું હોય તેમને મરણ-ખબરમાં કોવિડથી મૃત્યુ થયું હોવાનું લખવાની વિનંતી કરી હતી, જે સૌએ માન્ય કરતાં છેલ્લા કેટલાક સમયથી ખબરપત્રિકામાં આ પ્રકારની નોંધ લેવાય છે. એટલું જ નહીં, ખબરપત્રિકાના લાસ્ટ પેજ પર લોકોએ કોરોનાથી બચવા માટે કેવાં પગલાં લેવાં જોઈએ એની સૂચના લખવામાં આવે છે. કોરોનાથી મૃત્યુ થાય તો એનો ક્ષોભ અનુભવવાને બદલે એ જાહેર કરવાથી મૃતકના સંપર્કમાં આવનારા લોકો સમયસર કોવિડની ટેસ્ટ કરી શકે એ માટેની અપીલ પણ કરાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *