જસ્ટિસ ફોર આઈશા

વટવાની આઈશાના આત્મહત્યા કેસમાં તેના પતિ આરિફ ખાનના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ, આ કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે કે આરિફ અને તેનો પરિવાર આર્થિક રીતે સધ્ધર હોવા છતાં પણ આઈશાના પરિવાર પાસે અવારનવાર પૈસાની માગણી કરતો હતો. આરિફનો પરિવાર ઝાલોરના પોશ વિસ્તારમાં ભવ્ય મકાન અને ચાર દુકાન ધરાવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આઇશાના કેસના આરોપી આરિફ ખાનના પિતા ઝાલોરના પોશ ગણાતા વિસ્તારમાં મોટું મકાન ધરાવે છે, સાથે તેમની માલિકીની 4 દુકાન પણ છે, જે ભાડે આપી છે. આ મિલકતમાંથી તેઓ મહિને 50 હજાર જેટલી આવક મેળવે છે. બીજી તરફ, આરિફ ખાન અને તેના પિતા બાબુખાન માઇનિંગ ફેક્ટરીમાં નોકરી કરી સારોએવો પગાર મેળવે છે, તેમ છતાં તેઓ આઇશાને અવારનવાર પિયરમાંથી પૈસા લઈ આવવા માટે દબાણ કરી ત્રાસ આપતા હતા. આઇશાના પિતાએ કહ્યું હતું કે તેમણે પોતાના દીકરાઓ માટે મકાન બનાવવા પૈસા ભેગા કર્યા હતા, પરંતુ આઇશાના પતિએ પૈસાની માગણી કરતાં તેમણે તેને દોઢ લાખ રૂપિયા આપી દીધા હતા. ત્યાર બાદ પણ અવારનવાર આઈશા પાસે તેનો પતિ પૈસા માગતો હતો.

આઈશાના પતિને બુધવારે એડિશનલ ચીફ મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો, જેમાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી રજૂઆત કરી હતી કે આઈશાએ આત્મહત્યા કરતાં પહેલાં બનાવેલો વીડિયો કોઈને વાઇરલ કર્યો છે કે નહિ? એની તપાસ કરવાની બાકી છે. આરિફે આઈશાને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યો છે કે નહિ? વીડિયો સાથે કોઈ છેડછાડ કરવામાં આવી છે કે નહિ? એ તપાસ બાકી છે. આરોપી તપાસમાં સહકાર આપતો નથી, તેની પોલીસ કસ્ટડીની જરૂર છે. આઈશાને માનસિક ત્રાસ આપીને મરવા માટે મજબૂર કરી છે, તેમાં તેની સાથે બીજું કોઈ સંડોવાયું છે કે નહિ? એ બાબતે વિગતવાર તપાસ કરવાની બાકી છે. તમામ તપાસ માટે 5 દિવસના રિમાન્ડની જરૂર છે. અંતે, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

2 માર્ચે પોલીસ આરિફને રાજસ્થાનથી અમદાવાદ લઈ આવી છે. જોકે લોકઅપમાં પૂછપરછ વખતે આરિફના ચહેરા પર આઈશાના મોતનો જરા પણ રંજ દેખાતો ન હતો, આંખમાંથી એક આંસુ પણ સર્યું ન હતું. પોલીસે જ્યારે તેને પકડ્યો ત્યારે જાણે કશું થયું જ ન હોય તેમ પોલીસની સાથે ચાલવા લાગ્યો હતો. પીઆઈ વી. એમ.દેસાઈ અને ઝોન-1 ડીસીપી ડો. રવીન્દ્ર પટેલની પૂછપરછમાં આરિફે આઈશાના મોતનો જરા પણ અફસોસ વ્યક્ત કર્યો ન હતો. આરિફના આવા વર્તનથી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. આઈશાના ગર્ભપાત બાદથી જ બંને વચ્ચે ગજગ્રાહ હોવાનું તેણે કબૂલ્યું હતું.

આઈશાએ આરિફ સાથે લગભગ 72 મિનિટ સુધી વાતચીત કરી હતી, જેમાં આરિફે વારંવાર તેની સામે કરેલી ફરિયાદ ખેંચવા દબાણ કર્યું હતું અને તેડી જવાની સ્પષ્ટ ના પાડી હતી. એક તબક્કે આઈશાએ આત્મહત્યા કરી લઈશ એમ કહેતાં આરિફે ‘કાલે મરતી હોય તો આજે મરી જા, મને કોઈ ફરક પડતો નથી, પરંતુ તું મરતાં પહેલાં વીડિયો બનાવી મોકલજે, જેથી મારા પર આરોપ ન આવે.’ એમ કહ્યું હતું. ત્યાર બાદ આઈશાએ માતા-પિતા સાથે વાત કરી નદીમાં છલાંગ લગાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *