સાવધાન..!! રાજ્યમાં કોરોના વકર્યો, છેલ્લા 24 કલાકમાં 715 નવા કેસ નોંધાયા

સુરત :

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 715 નવા દર્દી જ્યારે 495 દર્દીઓ સાજા થયાં છે. અમદાવાદ અને સુરતમાં 1-1 દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 4006 એક્ટિવ કેસ છે. તો હાલ 51 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રિકવરી રેટમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રિકવરી રેટ વધીને ઘટીને 96.95 ટકા થયો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,68,196 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કુલ 4420 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 141 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 91 કેસ, જ્યારે ગ્રામ્યમાં 26 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 58 કેસ અને ગ્રામ્યમાં 11 કેસ નોંધાયા છે.

સુરત શહેરમાં 183 કેસ અને ગ્રામ્યમાં 13 નવા કેસ સાથે ગુજરાતમાં સૌથી વધુ કેસ સુરત જિલ્લામાં નોંધાયા છે. સુરતમાં કોરોના ભયાનક બનતો જાય છે. શહેરમાં જે રીતે કોરોનાના કાળોતરા નાગે ફૂંફાડા મારવા લીધા છે તેનાથી નાગરિકોએ તત્કાળ સ્વયંભૂ કોરોનાથી બચવા આત્મશિસ્તને અપનાવવી પડશે.

મહત્વનું છે કે, ગઇકાલથી જ સુરત મહાપાલિકાએ શાળાઓમાં ટેસ્ટિંગ હાથ ધર્યું છે. 50 શાળાઓમાં 2 હજાર 746 લોકોના ટેસ્ટ કરાયા છે. 5 શિક્ષકો, 12 વિદ્યાર્થી મળીને 17 કેસ કોરોના સંક્રમિત આવ્યા છે. બહારગામથી આવતા લોકોને ફરજિયાત ક્વોરેન્ટાઈન કરાશે.

18,38,382 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો

તો બીજી તરફ વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ નાગરિકો હજી પણ બેદરકાર હોવાનું લાગી રહ્યું છે. વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 18,38,382 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 4,61,434 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *