IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ટૉમ મૂડીનો સાથ છોડ્યો, બ્રાયન લારા બન્યા નવા કોચ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદે આગામી સીઝનમાં ચેમ્પિયન બનવા માટે કમર કસી લીધી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાના કોચ ટૉમ મૂડીનો સાથ છોડી દીધો છે. સાથે જ ટીમને નવો હેડ કોચ મળ્યો છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન પ્લેયર ટૉમ મૂડી અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચે કોન્ટ્રાક્ટ ખતમ થઇ ગયો છે. એવામાં બન્ને પાર્ટીએ સહમતિ સાથે એક બીજાનો સાથ છોડવાનો નિર્ણય કર્યો છે.

લારા બન્યો સનરાઇઝર્સ હૈદરાબાદનો નવો કોચ

સનરાઇઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીએ વેસ્ટ ઇન્ડીઝના લીજેન્ડ બ્રાયન લારાને નવા હેડ કોચની જવાબદારી સોપી છે. લારા 2022 સીઝનમાં સનરાઇઝર્સ ટીમનો રણનીતિક સલાહકાર અને બેટિંગ કોચ હતો. લારાના હેડ કોચ બનવાની જાહેરાત ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે.

ટૉમ મૂડીના કોચિંગમાં એક વખત ટીમ ચેમ્પિયન પણ બની

મહત્વપૂર્ણ છે કે ટૉમ મૂડીએ 2013થી 2019 વચ્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની કોચિંગ કરી હતી. આ દરમિયાન ટીમને 5 વખત પ્લે ઓફમાં પહોચાડી હતી. સાથે જ 2016માં ચેમ્પિયન પણ બનાવી હતી. તે સમયે ડેવિડ વોર્નર ટીમનો કેપ્ટન હતો. તે બાદ 2020 સીઝનમાં ટૉમ મૂડીને ફ્રેન્ચાઇઝીએ ક્રિકેટ ડિરેક્ટર બનાવ્યો હતો અને ટ્રેવર બેલિસને કોચ પદ આપ્યુ હતુ. આ સીઝન નિરાશાજનક રહી હતી. એવામાં મૂડીને ફરી કોચ પદ આપવામાં આવ્યુ હતુ.

હવે ટૉમ મૂડી અને સનરાઇઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીએ કોન્ટ્રાક્ટને આગળ ના વધારવાનો નિર્ણય કર્યો છે. ટૉમ મૂડીને સંયુક્ત અરબ અમીરાત (UAE)ની ILT20 લીગમાં ડેઝર્ટ વાઇપર્સ ટીમના ક્રિકેટ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. આ લીગ 2023માં શરૂ થવાની છે.

ટૉમ મૂડીનો બીજો કાર્યકાલ ખરાબ રહ્યો

ટૉમ મૂડી જ્યારે ફરી પોતાના કોચિંગના રોલમાં પરત ફર્યા તો તેમનો કાર્યકાળ ખરાબ રહ્યો હતો. બે સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 28 મેચ રમી હતી જેમાંથી માત્ર 9 મેચમાં જીત મળી હતી. એક મેચ ટાઇ રહી હતી જ્યારે 18માં સનરાઇઝર્સ હૈદરાબાદે હારનો સામનો કરવો પડ્યો હતો. ગત સીઝનમાં હૈદરાબાદે 14માંથી માત્ર 6 મેચ જીતીને આઠમા નંબર પર રહી હતી. ટીમના કેપ્ટન કેન વિલિયમસન પણ ફોર્મમાં ઝઝુમતો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *