
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, લોન બોલ્સની રમતમાં પહેલી વાર જીત્યો ગોલ્ડ મેડલ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારત ખેલાડીઓનું દમદાર પ્રદર્શન ચાલું છે. ભારતે હવે લોન બોલની રમતમાં ઈતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા ટીમે લોન બોલમાં પહેલી વાર ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે.

લોન બોલ્સ ઈવેન્ટની ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 17-10થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. 92 વર્ષના ઈતિહાસમાં આ પહેલી વખત છે જ્યારે ભારતે આ ઈવેન્ટમાં મેડલ જીત્યો છે, તે પણ હવે તેનો સીધો ગોલ્ડ મેડલ છે. લગભગ અઢી કલાક સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા, શરૂઆતમાં ટીમ ઈન્ડિયાએ લીડ મેળવી લીધી હતી પરંતુ તે પછી સાઉથ આફ્રિકાએ પણ વાપસી કરી હતી.અંતમાં ટીમ ઈન્ડિયાની શાનદાર રમત કામમાં આવી અને ભારતે 17-10થી મેચ જીતી લીધી.
વિમેન્સ ટીમની આ ઈવેન્ટમાં ટીમ ઈન્ડિયાએ લવલી ચોબે, પિન્કી, નયનમોની સાઈકિયા, રૂપા રાનીને સામેલ કર્યા હતા. જેમણે સતત સારું પ્રદર્શન કર્યું અને દેશ માટે મેડલ જીત્યા.
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતની મેડલ ટેલી હવે 10 થઈ ગઈ છે, જેમાં 4 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
