India Legends Vs South Africa Legends : ઇન્ડિયા લિજેન્ડ્સે જીત સાથે કરી શરૂઆત, સાઉથ આફ્રિકા લિજેન્ડ્સને 61 રનથી હરાવ્યું

India Legends vs South Africa Legends: સ્ટુઅર્ટ બિન્ની (82) ની વિસ્ફોટક ફિફ્ટી પછી રાહુલ શર્મા (3 વિકેટ) ની શાનદાર બોલિંગને કારણે શનિવારે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની શરૂઆતની મેચમાં ઈન્ડિયા લિજેન્ડ્સે સાઉથ આફ્રિકા લિજેન્ડ્સને 61 રનથી હરાવ્યું. માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા માટે ભારત સરકાર દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં વિશ્વભરના નિવૃત્ત ખેલાડીઓ તેમના દેશોનું પ્રતિનિધિત્વ કરે છે. ગ્રીન પાર્ક, કાનપુર ખાતે રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈન્ડિયા લિજેન્ડ્સે 20 ઓવરમાં 217 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા લિજેન્ડ્સ માત્ર 156 રન જ બનાવી શકી હતી.

218 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકા લિજેન્ડ્સે મેચમાં ખરાબ પ્રદર્શન કર્યું.  પ્રથમ વિકેટ માટે 43 રનની ભાગીદારી બાદ રાહુલ શર્માએ ઓપનર મોર્ને વાન વિક (26)ને એલબીડબલ્યુ આઉટ કરી પેવેલિયન પરત મોકલ્યો હતો.  જ્યારે પ્રજ્ઞાન ઓઝાએ એન્ડ્રુ પુટિક (23)ને આઉટ કર્યો હતો. આ પછી સુકાની જોન્ટી રોડ્સ સિવાય કોઈ પણ  બેટ્સમેન 20 રનના આંકને સ્પર્શી શક્યો નહોતો. રોડ્સ 27 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 38 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે તેની ટીમે 20 ઓવરમાં નવ વિકેટે 156 રન બનાવ્યા. ભારત તરફથી રાહુલ શર્માએ ચાર ઓવરમાં 17 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી જ્યારે મુનાફ પટેલ અને પ્રજ્ઞાન ઓઝાએ બે-બે વિકેટ લીધી હતી. આ સિવાય ઈરફાન પઠાણ અને યુવરાજ સિંહે પણ એક-એક વિકેટ લીધી હતી.

ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા ઇન્ડિયા લિજેન્ડ્સે સારી શરૂઆત કરી. સચિન તેંડુલકર અને નમન ઓઝા વચ્ચે પ્રથમ વિકેટ માટે 46 રનની ભાગીદારી થઈ હતી. આ પછી સચિન તેંડુલકર 15 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. બીજી જ ઓવરમાં નમન પણ 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સુરેશ રૈનાએ 22 બોલમાં 33 રનની દમદાર ઇનિંગ રમી હતી. યુવરાજે 8 બોલમાં 6 રન બનાવ્યા હતા. યુસુફ પઠાણે 12 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું હતું. ભારતે છેલ્લી પાંચ ઓવરમાં 80થી વધુ રન બનાવ્યા હતા.

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2022માં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, જે 4 શહેરોમાં કુલ 23 મેચ રમવાની છે. ભાગ લેનારી ટીમોમાં ઈન્ડિયા લિજેન્ડ્સ, સાઉથ આફ્રિકા લિજેન્ડ્સ, વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડ્સ, ઑસ્ટ્રેલિયા લિજેન્ડ્સ, શ્રીલંકા લિજેન્ડ્સ, બાંગ્લાદેશ લિજેન્ડ્સ, ઈંગ્લેન્ડ લિજેન્ડ્સ અને ન્યૂઝીલેન્ડ લિજેન્ડ્સનો સમાવેશ થાય છે. ટૂર્નામેન્ટનો હેતુ લોકોમાં રોડ સેફ્ટી અંગે જાગૃતિ ફેલાવવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *