
Independence Day પર દેશને મળશે પ્રથમ બુલેટ ટ્રેનની ભેટ, 15 ઓગસ્ટ 2027થી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે હાઈસ્પીડ ટ્રેન
હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027, એટલે કે Independence Dayના અવસરે શરૂ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડશે અને અંદાજે 508 કિલોમીટરનું અંતર માત્ર બે કલાકમાં પૂર્ણ કરશે.
મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પર દોડનારી આ બુલેટ ટ્રેનની મહત્તમ વ્યાવસાયિક ગતિ 320 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આ પ્રોજેક્ટથી મુસાફરોનો કિંમતી સમય બચશે તેમજ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે વેપાર, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસને પણ નવી ગતિ મળશે.
આ હાઈસ્પીડ કોરિડોરમાં કુલ 12 સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુંબઈ (BKC), થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશનો સામેલ છે.
આ પ્રોજેક્ટમાં જાપાનની આધુનિક શિન્કાન્સેન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલ ટ્રેક, ટનલ, બ્રિજ અને વીજળીકરણ સહિતના વિવિધ તબક્કાના કામ ઝડપથી આગળ વધી રહ્યા છે.
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન શરૂ થતાં અમદાવાદ અને મુંબઈ વચ્ચેની મુસાફરી વધુ ઝડપી, આરામદાયક અને વિશ્વસ્તરીય બનશે. સાથે જ આ પ્રોજેક્ટ દેશના આધુનિક પરિવહન ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે નોંધાશે.