
દુનિયાભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ બ્રાઝિલની છે. બુધવારે અહીં 90,830 નવા કેસ નોંધાયા હતા. દેશમાં એક જ દિવસમાં મળી આવેલા આ કેસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલાં 7 જાન્યુઆરીએ 87,134 કેસ નોંધાયા હતા. આ દરમિયાન 2,736 લોકોનાં મૃત્યુ પણ થયાં હતાં. અહીં અત્યારસુધીમાં 1.17 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. 1.02 કરોડ લોકો સાજા પણ થયા અને 2.85 લાખ લોકોનાં મૃત્યુ થયાં છે.
બીજી તરફ, નિષ્ણાતોએ યુરોપિયન દેશોમાં કોરોનાના બીજી લહેરની ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે ફ્રાન્સ, પોલેન્ડ, ઇટાલી અને જર્મની સહિતના ઘણા દેશોમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસોમાં વિક્રમી વધારો નોંધાયો છે. ફ્રાન્સમાં ગત દિવસે 38,501, પોલેન્ડમાં 25,052, ઇટાલીમાં 23,059 અને જર્મનીમાં 16,094 કેસ નોંધાયા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ સંજોગોમાં એસ્ટ્રાઝેનેકાની કોરોનાની વેક્સિન પર પ્રતિબંધ મૂકવો એ જોખમી સાબિત થઈ શકે છે.
બ્રાઝિલે ચોથી વખત આરોગ્યમંત્રી બદલ્યા
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ કોરોના ફેલાયા બાદ ચોથી વખત પોતાના આરોગ્યમંત્રીને બદલતાં માર્સેલો ક્વેરોગાને આ પદ પર નિયુક્ત કર્યા છે. તેઓ એડવર્ડો પૈઝુએલોની જગ્યા લેશે. લશ્કરી જનરલ પૈઝુએલોને સ્વાસ્થ્યક્ષેત્રે કોઈ અનુભવ ન હોવા છતાં ગયા વર્ષે મેમાં તેમને આરોગ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પહેલાં પૈઝુએલોએ સોમવારે પ્રેસ-કોન્ફરન્સમાં એ વાતના સંકેત આપ્યા હતા કે બોલ્સોનારો તેમની જગ્યાએ અન્ય કોઈને આરોગ્યમંત્રી બનાવી શકે છે. પૈઝુએલોના પૂર્વગામી બે આરોગ્યમંત્રીએ બોલ્સોનારો સાથેના મતભેદોને કારણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
દુનિયાના 12.18 કરોડ કેસ
દુનિયામાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 12 કરોડને પાર થઈ ગઈ છે. હાલમાં આ આંકડો 12.18 કરોડથી વધુનો છે. છેલ્લા 24 કલાકમાં 5.25 લાખ નવા કેસ નોંધાયા છે. 9 હજારથી વધુ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અત્યારસુધીમાં 9 કરોડ 81 લાખથી વધુ લોકો કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. 26 લાખ 91 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં વિશ્વભરમાં 2 કરોડથી 6 લાખથી વધુ સંક્રમિતોની સારવાર ચાલી રહી છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.