
રાજકોટના જસદણના કોઠીનાનાલા વાડી વિસ્તારમાં ભાજપના મહિલા સદસ્યના પતિની વાડીમાંથી વિદેશી દારૂની 341 બોટલનો જથ્થો ઝડપાયો છે. જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના મહિલા સદસ્યના પતિની વાડીમાંથી રાજકોટ રૂરલ LCBએ વિદેશી દારૂની 341 બોટલ સાથે કુલ રૂ. 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મીડિયા સૂત્રો મુજબ, જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના મહિલા સદસ્યના પતિ મેહુલ ઉર્ફે રાજા કુંભાણીની વાડીમાં રાજકોટ રૂરલ LCBએ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને વાડીમાંથી વિદેશી દારૂની 341 બોટલ મળી હતી. આ સાથે પોલીસે વાડીમાંથી કુલ રૂ.1.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે મેહુલ ઉર્ફે રાજા કુંભાણી હાલ ફરાર છે. પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધીને શોધખોળ આદરી છે.
ગોંડલની સોસાયટીમાં પાર્કમાંથી દારૂનો જથ્થો મળ્યો
રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી ગોંડલના જેતપુર રોડ પર આવેલી ગ્રીનપાર્ક સોસાયટીમાં પાર્ક કરેલી એક કારમાંથી દારૂની 432 બોટલ જપ્ત કરી હતી, જેની કિંમત અંદાજે રૂ.1.29 લાખ થાય છે. પોલીસે દારૂનો જથ્થો અને કાર મળી કુલ રૂ.2.29 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કાર માલિક સહિત બુટલેગરોની શોધખોળ આદરી છે.