
કચ્છના આદિપુરમાં આજે એક કારચાલકે ત્રણ લોકોને અડફેટે લેતા પિતા-પુત્રના મોત નિપજ્યા છે. તો અન્ય એક વ્યકિત ઘાયલ થયા તેને સારવાર માટે ખસેડાયો છે. કારચાલક કાર મુકી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
આદિપુર ખાતે આજે રવિવારે સાંજે શહેરના જુમાંપીર દરગાહ પાસે પુરપાટ વેગે જઈ રહેલી જી.જે.12 ડીએસ 1545 નંબરની ફોર્ચ્યુનર કારે બાઈક પર જઈ રહેલા મહેશ્વરી સમાજના પિતા અને સાત વર્ષીય પુત્રને હડફેટે લઈ જોરદાર ટક્કર મારતા પુત્રનું ઘટનાસ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પિતાને સારવાર માટે ખસેડાતી વખતે મૃત્યુ થયું હતું. બાદમાં અન્ય એક રાહદારીને પણ ઈજા પહોંચાડી હતી. કાર અકસ્માત સ્થળ નજીક આવેલી એક દુકાનમાં જઈ અથડાતા રોકાઈ હતી. જો કે, ચાલક કાર છોડી નાસી છૂટ્યો હતો.
બનાવ સાંજે આદિપુરના જુમાં પીર ફાટક પાસે સર્જાયો હતો જેમાં પુરપાટ આવતી ફોરચુનર કારે ત્રણ વ્યક્તિને હડફેટે લેતા બે જણના મોત થયા હતા અને કાર એક દુકાનમાં જઈને ટકરાઈ હતી તેથી દુકાનમાં પણ ભારે નુકશાન પહોંચ્યું છે. તો હજુ એક વ્યક્તિની હાલત ગંભીર બતાવાઈ રહી છે. દુર્ઘટનાને પગલે લોકોની મોટી ભીડ એકત્ર થઈ જવા પામી હતી અને ઘાયલોને બચાવવા પ્રયાસ કર્યો હતો. આદિપુર પોલીસે કારના નંબરના આધારે તેના ચાલકની શોધખોળ શરૂ કરી છે.