
વિદેશી ખર્ચ અને TCSને લઈને મોટા સમાચાર
ક્રેડિટ કાર્ડથી થતા વિદેશી ખર્ચ પર હવે નહીં લાગે TCS
વાર્ષિક 7 લાખ સુધીના વિદેશી ખર્ચ પર કોઈ TCS નહીં વસૂલાય
વિદેશી ખર્ચ અને TCSને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. જેના કારણે વિદેશ પ્રવાસ કરનારાઓ મજા માણી શકે છે. વાત જાણે એમ છે કે, હવે ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશી ખર્ચ પર કોઈ TCS એટલે કે સ્ત્રોત પર ટેક્સ કાપવામાં આવશે નહીં. સરકારે આ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં કરવામાં આવતી ચુકવણી LRS એટલે કે લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ નહીં આવે. આ સાથે વાર્ષિક 7 લાખ સુધીના વિદેશી ખર્ચ પર કોઈ ટીસીએસ વસૂલવામાં આવશે નહીં.
શું કહ્યું નાણાં મંત્રાલયે ?
કેન્દ્રીય નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, એલઆરએસ હેઠળ કોઈપણ રીતે વિદેશી ટૂર પેકેજો પર થતા ખર્ચ પર પ્રતિ વ્યક્તિ વાર્ષિક રૂ. 7 લાખ સુધી TCS ચૂકવવાપાત્ર રહેશે નહીં. જોકે રૂ. 7 લાખથી વધુના રેમિટન્સમાં ઉન્નત TCS આકર્ષિત થશે. આ સાથે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને વિદેશી રેમિટન્સ પર કોઈ TCS વસૂલવામાં આવશે નહીં.
TCS નિયમને પણ લંબાવ્યો
નાણા મંત્રાલયે 1 જુલાઈથી લાગુ થનારા TCS નિયમને પણ લંબાવ્યો છે. હવે વધેલી TCS ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે. 7 લાખથી વધુના વિદેશી ખર્ચ પર લોકોએ 1 ઓક્ટોબરથી TCS ચૂકવવો પડશે. સરળ શબ્દોમાં કહીએ તો વિદેશ પ્રવાસે જતા લોકોને સરકારે મોટી ભેટ આપી છે. ટીસીએસના નવા દરો 1 ઓક્ટોબરથી લાગુ થશે.
ક્રેડિટ કાર્ડ પેમેન્ટને પણ LRS હેઠળ લાવવામાં આવશે ?
મહત્વનું છે કે, નાણા મંત્રાલયે માર્ચમાં જાહેરાત કરી હતી કે ક્રેડિટ કાર્ડ પેમેન્ટને પણ LRS હેઠળ લાવવામાં આવશે. પરંતુ હવે નાણા મંત્રાલયે તેના નિર્ણય પર રોક લગાવી દીધી છે. આ નિયમમાં ફેરફાર કરતી વખતે સરકારે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડથી વિદેશમાં કરવામાં આવતા વ્યવહારો હવે LRSના દાયરામાં આવશે નહીં. એટલે કે આ ખર્ચ પર કોઈ ટેક્સ એટ સોર્સ વસૂલવામાં આવશે નહીં. હવે 1 ઓક્ટોબર, 2023થી ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં ખર્ચ TCS ફ્રી થશે.
ટીસીએસનો નવો નિયમ કયારથી લાગુ થશે ?
સરકાર LRS સ્કીમ હેઠળ વિદેશી ખર્ચ પર 1 જુલાઈથી 20% TCS કાપવાની યોજના બનાવી રહી હતી. પરંતુ હવે વાર્ષિક 7 લાખ સુધીનું વિદેશી રેમિટન્સ TCS ફ્રી હશે. સરકારે આ નિયમને 1 જુલાઈથી ત્રણ મહિના માટે લંબાવ્યો છે. હવે ટેક્સના નવા દર 1 ઓક્ટોબરથી લાગુ થશે. વિદેશ પ્રવાસે જતા લોકોને મોટી ભેટ આપતા સરકારે તેને ત્રણ મહિના માટે લંબાવ્યો છે. 1 ઓક્ટોબરથી, લોકોએ વિદેશી ખર્ચ પર 5%ને બદલે 20% TCS ચૂકવવો પડશે.
સરકારે ટેક્સ મર્યાદા ઘટાડવાની માંગને ફગાવી દીધી
TCSના દરમાં ઘટાડો કરવાની લોકોની માંગને સરકારે ઠુકરાવી દીધી છે. સરકારે કહ્યું કે, ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં કોઈપણ રકમના વ્યવહારો પર TCS દરમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, વિદેશ પ્રવાસ પેકેજ સહિત વિદેશમાં નાણાં મોકલવા પર 20 ટકા TCS કાપવામાં આવશે. આ નવો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થશે.